શંકરસિંહ-ગહેલોત વચ્ચે ‘વસંત વગડો’માં ભોજન સાથે મંથન

અમદાવાદ: કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા અઠવાડિયા લાંબા ચીનના પ્રવાસ બાદ ગઇ કાલેે રાત્રે અમદાવાદ પરત આવતાં કોંગ્રેસમાં ફરીથી રાજકીય ધમધમાટ જોવા મળ્યો છે. શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન ‘વસંત વગડો’ ખાતે પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત અને પક્ષના આગેવાનો વચ્ચે આ લખાય છે ત્યારે બેઠક ચાલી રહી છે. જેમાં કોંગ્રેસનો આંતરિક જૂથવાદનો અંત આવીને ઘીનાં ઠામમાં ઘી પડે તેવા પ્રકારની સમાધાનકારી ફોર્મ્યુલા ઘડાય તેવી શકયતા છે.

શંકરસિંહ વાઘેલા ગઇ કાલે રાત્રે ચીનના પ્રવાસેથી પરત આવ્યા બાદ આજે બપોરે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને અશોક ગહેલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શકિતસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા ટોચના આગેવાનોને ભોજન માટેનું આમંત્રણ અપાયું છે. શંકરસિંહ વાઘેલાનાં નિવાસસ્થાને યોજાઇ રહેલી બેઠકમાં તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે. જોકે અન્ય કોઇ ધારાસભ્ય હાજર રહેવાના નથી. કોંગ્રેસના દંડક બળવંતસિંહ રાજપૂત શંકરસિંહ વાઘેલાને મળવા તેમના નિવાસે ગયા હતા. દરમિયાન શંકરસિંહ વાઘેલાને મનાવવા માટે વિધાનસભા બેઠકની વહેંચણી કરાય તેવી અટકળ ઊઠી છે.

ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠક પૈકી ૯૦થી ૯પ બેઠકની જવાબદારી શંકરસિંહને આપીને મનાવવાના પ્રયાસ થઇ શકે છે. તેમ જણાવતાં સૂત્ર વધુમાં કહે છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની જવાબદારી તેમને સોંપાશે. જોકે શંકરસિંહ વાઘેલા આ દરખાસ્તને સ્વીકારશે કે કેમ? તે અંગે રહસ્ય સર્જાયું છે. તેમ છતાં છેવટે આજની બેઠકમાં સમાધાનકારી ફોર્મ્યુલા નક્કી થાય તેવી પણ પૂરેપૂરી શકયતા છે.

આ દરમિયાન આજે સાંજે પ્રદેશ કાર્યાલય ખાતે અશોક ગહેલોત, ભરતસિંહ સોલંકી અનેે શંકરસિંહ વાઘેલા સંયુકતપણે પત્રકાર પરિષદને સંબોધે તેવી શક્યતા છે.
http://sambhaavnews.com/

You might also like