શંકરસિંહ વાઘેલાએ ચૂંટણીને લઇને કરી ભવિષ્યવાણી, મોદી પર કર્યા પ્રહારો

ગાંધીનગર: કેન્દ્ર સરકાર ગુજરાતમાં પંજાબ અને યુ.પીની ચૂંટણી વચ્ચે ચૂંટણી યોજવાનું મન મનાવી રહી હોવાની ભવિષ્યવાણી વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કરી છે. મંગળવારની પ્રેસમાં શંકરસિંહ વાઘેલાએ નરેન્દ્ર મોદીની વધી રહી ગુજરાત મુલાકાતોને લઇને આ અનુમાન કર્યુ છે. શંકરસિંહ વાઘેલાએ શિક્ષણની ગુજરાતની સ્થિતિ પર પણ ભાજપ સરકારને ઘેરવાના પ્રયાસો કર્યા છે.

વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની દર મંગળવારે યોજાતી પ્રેસ વાર્તા આજે પણ યોજાઇ હતી. જેમાં શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં શિક્ષકોની ધટ,સરકારી શાળાઓનું થઇ રહેલા ખાનગીકરણ સહિતના મુદ્રાઓ પર રાજ્ય સરકારને ઘેરી હતી. તેઓએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે,80 લાખથી વધુ લોકો ગુજરાતમાં અભણ હોય ત્યારે રાજ્યનો વિકાસ જ કેવી રીતે થઇ શકે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગઇકાલે જીપીએસસી ભવનના લોકાર્પણ સમયએ કોંગ્રેસ પર કરેલા આક્ષેપોનો પણ શંકરસિંહ વાઘેલાએ જવાબ આપ્યો હતો.વિજય રૂપાણીએ સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ કોંગ્રેસની દેન હોવાના આક્ષેપ સામે શંકરસિંહ સ્પષ્ટ જણાવ્યું હતુ કે, છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન છે. આથી છેલ્લા 20 વર્ષની ધટનાઓ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી શકાય નહી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી તારીખે તેઓનો જન્મદિવસ ગુજરાતમાં ઉજવવાના છે તેવા પ્રશ્નના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ પોતાની આગવી અદામાં જણાવ્યું હતું કે,પહેલા અઢી વર્ષ ગુજરાતમાંથી કશુ લઇ જવાનું ન હતું આથી નરેન્દ્ર મોદી ગુજરાત આવતા ન હતા. પણ હવે કેન્દ્ર સરકાર પંજાબ અને યુ.પીની ચુંટણી વચ્ચે ગુજરાતમાં જ ચૂંટણી કરાવવા માંગે છે. આથી જ નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતો વધી રહી છે.

કોંગ્રેસ 2017ની ચૂંટણી નજીક આવતાં જ દિવસે ને દિવસે ભાજપ સરકાર સામે આક્રમક બની રહી છે.સાથે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પણ પોતાની ભુમિકા 2017માં નક્કી કરવા માટે વધારે આક્રમક બનતા હોવાનું લાગી રહ્યુ છે.

You might also like