બાળકોની કસોટી લેનાર ભાજપના મંત્રીની લેવાઇ ગઇ ‘કસોટી’

ડીસા: બનાસકાંઠાના ડીસામાં આજે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ શિવનગર વિસ્તારની પ્રાથમિક સ્કુલ ખાતે યોજાયો હતો. જ્યાં મંત્રી શંકરભાઈ ચૌધરીએ પ્રવેશ મેળવતા બાળકોને સ્કુલ બેગ-ચોપડા અને ગણવેશ આપી સત્કાર્યા હતા. જોકે તે બાદ મંત્રી શંકરભાઈ ચૌધરીએ સ્કુલના એક વર્ગમાં પ્રવેશ કર્યો હતો, અને ત્યારબાદ બાળકોને ભણાવવા હાથમાં ડસ્ટર અને ચોક પણ લીધો હતો. શિવનગર સ્કુલ “એ ” ગ્રેડ ધરાવતી સ્કુલ હોઈ મંત્રીએ બાળકો ને અંગ્રેજી કેવું આવડે છે તેની કસોટી પણ લીધી હતી.

જેમાં BOY અને GIRLS જેવા હળવા સ્પેલિંગ બાદ મંત્રી શંકરભાઈ ચૌધરીએ હાથી એટલે કે એલીફન્ટ શબ્દને બ્લેકબોર્ડ પર અંગ્રેજીમાં લખ્યો હતો જેનો સાચો સ્પેલિંગ ELEPHANT-થાય છે જોકે મંત્રી શંકરભાઈએ ખોટો ELEPHENT-સ્પેલિંગ લખી ભૂલ કરી હતી, અને બાળકો ને આ ખોટો સ્પેલિંગ ભણાવ્યો પણ હતો. જોકે આ ભૂલ કેમેરામાં કંડારાઇ ગઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મંત્રી શંકરભાઈ ચૌધરીની એમબીએ ડીગ્રીનો વિવાદ છેડાયો હતો, ત્યારે આજે બનાસકાંઠાના ડીસામાં શિવનગર સ્કુલ પ્રવેશ ઉત્સવમાં તેમણે અંગ્રેજીના સામાન્ય સ્પેલીંગમાં જ ભાંગરો વાટતા તેમની ખોટી ડીગ્રી મામલે કાગારોળ મચાવતા લોકોને હરખનો પાર રહ્યો ન હતો.

જોકે આ ભૂલથી અજાણ શંકરીભાઇ ચૌધરીએ ત્યારબાદ રાજ્ય સરકારની સિધ્ધિઓને વર્ણવી હતી, અને સરકારના ભરપેટ વખાણ કરી તેમને સ્કુલના બાળકોને ભણાવવું ગમે છે તેવું જણાવ્યું હતું.

You might also like