હનીમૂન કપલ્સના કારણે કેદારનાથમાં ભયાનક પૂર આવ્યાંઃ શંકરાચાર્ય

નવી દિલ્હી: દ્વારકા-શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. સ્વામી સ્વરૂપાનંદના નિશાન પર આ વખતે હનીમૂન કપલ્સ અને પિકનિક પર જતા લોકો છે. એક અહેવાલ અનુસાર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે ર૦૧૩માં કેદારનાથમાં આવેલા પ્રચંડ પૂર માટે હનીમૂન પર જતાં કપલ્સ અને પિકનિક પર જતા પ્રવાસીઓને જવાબદાર ગણાવ્યા છે.

આ ભયાનક પ્રલયમાં પ૦,૦૦૦ની વધુ શ્રદ્ધાળુનાં મોત થયાં હતાં. તેમણે ચેતવણી આપી હતી કે પવિત્ર હિંદુ ધર્મસ્થળોના પર્યાવરણ, પ્રદૂષણની પ્રવૃત્તિ એક વધુ આપત્તિ લાવી શકે છે. દેશના વિવિધ ભાગોમાંથી લોકો મજા કરવા, પિકનિક મનાવવા અને હનીમૂન માટે આવા પવિત્રસ્થાનો અને દેવભૂમિ (ઉત્તરાખંડ)માં આવે છે અને આ લોકો કેદારનાથમાં કુદરતી હોનારત માટે જવાબદાર છે. જો આ પ્રકારની અપવિત્ર પ્રવૃત્તિઓ બંધ કરવામાં નહીં આવે તો હજુ વધુ કુદરતી હોનારતો સર્જાશે.

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે મહારાષ્ટ્રના શનિ શિંગણાપુરમાં મહિલાઓના પ્રવેશ સામે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે રીતે મહિલાઓ પર અત્યાચારો થઇ રહ્યા છે તે ત્યાં સુધી અટકશે નહીં જ્યાં સુધી મહિલાઓ શનિની પૂજા બંધ નહીં કરે. મંદિરમાં પ્રવેશથી મહિલાઓ વિરુદ્ધ અપરાધો વધશે.

જોકે નાયડુ અસંમત કેન્દ્રીય પ્રધાન એમ. વેંકૈયા નાયડુએ શંકરાચાર્યની ટિપ્પણી અંગે પોતાની અસંમતિ વ્યકત કરી છે. તેમણે ટ્વિટર લખ્યું છે કે હું સ્વામી સ્વરૂપાનંદજીના આ વિચારો સાથે સંમત નથી કે શનિ શિંગણાપુર મંદિરમાં મહિલાઓનો પ્રવેશ તેમના માટે અશુભ પુરવાર થશે અને તેમની વિરુદ્ધ અપરાધો વધી જશે.

You might also like