ગાય માત્ર હિંદુઓની જ નહીં, મુસ્લિમોની પણ માતા: શંકરાચાર્ય

હરિદ્વાર: દ્વારકા શારદાપીઠના મુખ્ય શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે ગાય માત્ર હિંદુઓની જ નહીં, પરંતુ મુસ્લિમોની પણ માતા છે, કારણ કે ગાય માતાનું દૂધ એક ધર્મના લોકોની જેમ બીજા ધર્મના લોકો માટે પણ એટલું જ ફાયદાકારક છે.

અત્રે એક નિવેદનમાં સ્વામી સ્વરૂપાનંદે જણાવ્યું હતું કે હિંદુઓને ગાયના દૂધમાંથી એટલું જ પ્રોટિન મળે છે જેટલું મુસ્લિમોને મળે છે. એટલા માટે એવું કહેવું સંપૂર્ણપણે યોગ્ય છે કે ગાય માત્ર હિંદુઓની જ નહીં, બલકે મુસ્લિમોની પણ માતા છે.

તેમણે જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તે ધર્મની હોય, પરંતુ ગાયને બચાવીને તેમનું જતન કરવું ભારતીયોનાં હિતમાં છે. તેમણે જણાવ્યું છે કે ભારતીય બંધારણની જોગવાઈઓ અનુસાર દેશમાં વિવિધ ભાગોમાં ગૌહત્યા વિરુદ્ધ જે કાયદો બનાવવામાં આવ્યો છે તે સહેજ પણ ખોટો નથી.

તેમણે જણાવ્યું હતું કે ગૌહત્યા વિરુદ્ધ કાયદા સામે વખતો વખત સુપ્રીમ કોર્ટમાં અરજીઓ થઈ છે, પરંતુ આવી અપીલોને હંમેશાં ફગાવી દેવામાં આવી છે. સ્વરૂપાનંદે જણાવ્યું હતું કે ગૌહત્યા વિરુદ્ધ કાયદો બનાવવાની સાથે ગૌમાંસના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ.

You might also like