શિક્ષણમાં ભાજપ સરકાર ગુનાહિત બેદરકારી દાખવી રહી છેઃ શંકરસિંહ

ગાંધીનગર: ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ વિભાગની બહુ ચિંતા કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ તેની વરવી હકીકત ઉચ્ચ શિક્ષણની હકીકત જાણ્યા બાદ જ ખબર પડશે કે, ભાજપ સરકાર આવનારી પેઢી માટે ગુનાહિત બેદરકારી દાખવી રહી છે તેવો આક્ષેપ વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો હતો.

ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતાં વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારની પ્રાથમિક શિક્ષણમાં બેઝિક નોલેજ વિના પાસ કરવાની પદ્ધતિ આગામી પેઢીને બરબાદ કરવાનું આયોજન હોય તેવું લાગે છે. ભાજપની સરકારને ભવિષ્યની પેઢીને સારું અને પરિણામલક્ષી શિક્ષણ મળે તેમાં કોઈ રસ જ નથી.

શિક્ષણને આ સરકારે વેપાર બનાવી દીધો છે. તેમણે ઉચ્ચ શિક્ષણ વિભાગની હાલત અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં ૧૯૯૬-૯૭માં ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો ૩પ૬ હતી, આજે પણ એટલી જ છે તેમાં એક પણનો વધારો થયો નથી. આ કોલેજોમાં મહેકમ પણ પૂરતું નથી. આ કોલેજોમાં ૧૦,૦૦૦ અધ્યાપકો સામે ૪,પ૦૦ અધ્યાપકોની ઘટ, ૩પ૬ લાઈબ્રેરીયનની સામે માત્ર ૧૦૦ જગ્યા ભરેલી, પી.ટી. ટીચરની ર૦૬ જગ્યાઓ ખાલી, અન્ય કર્મચારીઓના મંજૂર એવા ૭,પ૦૦ની સામે માત્ર ર,પ૦૦ જગ્યા જ ભરાયેલી છે. ૩પ૬ આચાર્યોની જગ્યા સામે ર૧૦ જગ્યા ભરાયેલી છે.

રાજ્યમાં સરકારી કોલેજો ર૮માંથી વધીને ૮ર થઈ છે પણ તેની હાલત પણ આવી જ છે. સરકારી કોલેજોમાં ૮ર આચાર્યની સામે માત્ર ૧૯ આચાર્યની જગ્યા ભરાયેલી છે. અધ્યાપકોના ૧,૩૭પના મહેકમ સામે ૬૦૦ જગ્યા ભરાયેલી છે, ૮ર લાઈબ્રેરીયનમાંથી ૩૬ જગ્યા ભરાયેલી છે. આમ ભાજપ સરકાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહી છે. પાર્ટ ટાઈમ અને સહાયક અધ્યાપકોને અનુક્રમે રૂ. ૧૬,પ૦૦/ અને રપ,૦૦૦/ના ફિક્સ પગાર ચૂકવીને શોષણ કરવામાં આવી રહ્યું છે. સેમેસ્ટર સિસ્ટમ ઉપર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે આ સિસ્ટમમાં વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરમાં પ૦ દિવસ અને બીજા સેમેસ્ટરમાં ૩૩ દિવસનું શિક્ષણકાર્ય ચાલે છે.

આ ઉપરાંત હમણાં નૈરોબી ખાતે ચાલી રહેલી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઝેશન (ડબ્લ્યુટીઓ)ની બેઠકમાં કેન્દ્રની ભાજપ સરકારે શિક્ષણને વેપારનો દરજ્જો આપવાના કરાર કર્યા છે. જેના કારણે એક ફેકટરી ખુલતી હોય તેવા ધારાધોરણો વિદેશી યુનિવર્સિટીઓ માટે હશે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવં. વધુ મુશ્કેલ બનશે.

You might also like