એલિઝાબેથ અને હ્યૂજની દોસ્તી સામે મને વાંધો હતોઃ વોર્ન

લંડનઃઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું કહેવું છે કે તેની પૂર્વ મંગેતર અને અભિનેત્રી એલિઝાબેથ હર્લે અને તેના ભૂતપૂર્વ પ્રેમી હ્યૂજ ગ્રાંટ વચ્ચેની દોસ્તી સામે મને વાંધો હતો.

૪૬ વર્ષીય શેર વોર્ને હર્લે સાથે પોતાના ત્રણ વર્ષ જૂના સંબંધનો વર્ષ ૨૦૧૩માં અંત આણ્યો હતો અને તેણે કહ્યું હતું કે ગ્રાંટની ઉપસ્થિતિમાં અભિનેત્રીને મળવામાં હું અસહજ અનુભવતો હતો. જ્યારે તમે તમારા જૂના પ્રેમીના સારા મિત્ર હો છો ત્યારે નવા સંબંધો નિભાવવા મુશ્કેલ હોય છે.

વોર્ને વધુમાં કહ્યું કે, ”એલિઝાબેથ વાસ્તવમાં હ્યૂજની બહુ જ સારી મિત્ર હતી. જ્યારે હું ઓસ્ટ્રેલિયા જતો ત્યારે એલિઝાબેથ લંડનમાં રહેતી હતી અને ત્યારે હ્યૂજ ઘરમાં આવીને આખું અઠવાડિયું લિઝ સાથે રહેતો હતો. મેં લિઝને જણાવ્યું, તું હ્યૂજને કહે એ ત્યારે જ આવે, જ્યારે હું અહીં હાજર હોઉં. આ અંગે લિઝ હર્લેએ કહ્યું હતું કે તારી હાજરીમાં તે મને મળવામાં અસહજ અનુભવે છે.”

૫૫ વર્ષીય હ્યૂજ ગ્રાંટ અને ૫૦ વર્ષીય એલિઝાબેથ હર્લેએ મે-૨૦૦૦માં અલગ થતા પહેલાં ૧૩ વર્ષ સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું. અલગ થયા બાદ પણ તે બંને સારા મિત્રો બની રહ્યાં.

You might also like