પંદરમી સદીમાં બંધાયેલાં મંદિરોમાં શ્રેષ્ઠ વૈષ્ણવો માટે તીર્થસ્થાન સમાન શામળાજી

ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેશ્વો નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલ પવિત્ર યાત્રાધામ શામળાજી ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે. આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ હરિયાળી છે. આ પવિત્ર યાત્રાધામમાં શ્રી દેવ ગદાધર શામળાજી ભગવાનનું ખૂબ જ સુંદર અને વર્ષો જૂનું મંદિર છે. તેની સાથે સાથે અહીં શંકરભગવાન અને સુમંગલા દેવીનાં મથકો પણ છે.

આ મંદિર કયારે અને કોણે બંધાવ્યું તેના વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી. પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર પંદરસો વર્ષ પહેલાં જ્યારે આ નગરી અસ્તિત્વમાં આવી તે સમયે એટલે કે દશમી કે અગિયારમી સદીમાં બંધાયાનું માનવામાં આવે છે. શામળાજી ખાતે આવેલ આ રક્ષિત સ્મારકનાં અગ્રભાગે કલાકારીયુક્ત પ્રાચીન તોરણ આવેલ છે અને આ તોરણ દસમી સદીનું હોવાનું મનાય છે.

અહીં મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને શામળિયા પણ કહેવામાં આવે છે. તેના વિશાળ પટાંગણમાં જ પ્રવેશદ્વાર પર બે ખૂબ જ મોટા હાથીની પ્રતિમા છે. મંદિરની ઇમારત પરનાં ભોગાસન શિલ્પો ખૂબ જ સુંદર રીતે કંડારાયેલ છે. અહીંની નગરી ખૂબ જ પ્રાચીન કાળની છે એટલે કે રાજા હરિશ્ચન્દ્રની નગરી માનવામાં આવે છે.

અહીં કારતકી પૂનમના દિવસે ખૂબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે અને તેની અંદર જાતજાતનાં પશુઓની લે વેચ થાય છે. દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. માહી પૂનમે અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે.

યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. હિંમતનગરથી તે નજીક છે અને અમદાવાદથી ૧૩૦ કિ.મી.ના અંતરે આવેલ છે. ત્યાં જવા માટે સડક માર્ગે ગુજરાત ગવર્મેન્ટની બસ દ્વારા અમદાવાદ થઈ હિંમતનગર બાય પાસ થઈને જઈ શકાય છે. ત્યાંની નજીકનું હવાઈમથક અમદાવાદ છે.

ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલાં મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે. ખંડિત શિલ્પોનાં સ્થાને નવાં ઉમેરવામાં આવ્યાં છે પણ તે મૂળને અનુરૂપ હોઈ તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે. આ મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે.જયારે ગુજરાતીઓ ભેગા મળે ત્યારે વાત વાતમાં કહે છે કે, ‘રાજા હરિશ્ચન્દ્રનો અવતાર’પણ રાજા હરિશ્ચન્દ્રની નગરી વિશે તેઓ જ્ઞાન કદાચ નહીં હોય.હરિશ્ચન્દ્રની પ્રાચીન નગરીને આજે લોકો શામળાજી તરીકે ઓળખે છે. તેમજ જેઓના અનેક પરચા પણ થયેલા છે.

સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર ગુજરાતનાં ત્રણ મહત્વનાં વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે. મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે પ્રસિદ્ધ છે.અહી ભગવાન શામળાજી બિરાજમાન છે. મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દૃષ્ટિએ અતિસુંદર છે. તેમજ શિલ્પ સ્થાપત્યયુક્ત રચનાઓ ઘરાવે છે. ત્યારે અહીં આવેલ ગદાધરની નયનરમ્ય મૂર્તિ સૌ કોઈ માટે ખૂબ આકર્ષણ ખડુ કરે છે.

આ મંદિરની અંદર બહાર દીવાલ પર રામાયણ મહાભારતનાં દૃશ્યો તેમજ હાથીઓ ચીતરેલા છે. જયારે મુખ્ય મંદિર પાસે રણછોડરાય અને કાશી વિશ્વનાથનું મંદિર છે. તેમજ ભાઈ બહેનનું મંદિર અને ગાંધારીના એકસો એક બાળકો સાથેની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત નજીકમાં કર્માભાઈએ બનાવેલું એક મોટું તળાવ છે. વૈષ્ણવો માટે એક તીર્થસ્થાન જેવું શામળાજી છે.•

You might also like