મારી કહાણી પણ કઠુઆ દુષ્કર્મ જેવીઃ હસીન જહાં

કોલકાતાઃ પોતાના ક્રિકેટર પતિ મોહંમદ શામી સામે ઘરેલુ હિંસાનો કેસ લડી રહેલી હસીન જહાંએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. હસીને કહ્યું કે, ”મારી કહાણી પણ કઠુઆ દુષ્કર્મ જેવી છે. ફરક એટલો જ છે કે હું જીવથી બચી ગઈ છું. કેટલાક લોકો મને મારવા ઇચ્છતા હતા.” હસીન કોલકાતામાં કઠુઆકાંડના વિરોધમાં નીકળેલી કેન્ડલ માર્ચમાં જોડાઈ હતી.

આ વિરોધ પ્રદર્શનમાં આંસુ ભરેલી આંખોથી હસીને કહ્યું, ”કઠુઆ કેસમાં દોષીઓને સજા મળવી જોઈએ. મારો કેસ પણ આના જેવો જ છે, પરંતુ હું જીવતી છું. આ મામલામાં પીડિતા સાથે જે કંઈ થયું એમાંથી મારે પણ પસાર થવું પડ્યું છે.

તેઓએ મારી સાથે દુષ્કર્મની યોજના બનાવી હતી, ત્યાર બાદ તેઓ મને મારીને બોડીને જંગલમાં ફેંકી દેવા ઇચ્છતા હતા. બે મહિના પસાર થઈ ચૂક્યા છે, હું તેઓ સામે એકલી લડી રહી છું.” હસીનના આરોપોથી ઘણા લોકો ચોંકી ઊઠ્યા છે. જોકે તેનાં નિવેદન અંગે મોહંમદ શામીની કોઈ પ્રતિક્રિયા મળી નથી.

You might also like