શાહરુખ ખાનની ફિલ્મ માટે અમદાવાદીઓ બનશે ‘દિલવાલે’?

અમદાવાદ: અસહિષ્ણુતાના મુદ્દે સર્જાયેલા વિવાદ બાદ શાહરૂખ ખાનની અાવતીકાલે રિલિઝ થઈ રહેલી દિલવાલેનો બહિષ્કાર કરવા ફોટો અને મેસેજ ફરતા થયા હતા. શહેરમાં શિવરંજની બ્રિજ સહિત કેટલાક સ્થળે ફિલ્મનો બહિષ્કાર કરવાના પોસ્ટર લાગી ગયા છે. જોકે શાહરૂખખાને શાણપણ વાપરીને ફિલ્મ રિલિઝ થવા ટાણે અસહિષ્ણુતાના મુદ્દે થયેલા નિવેદન બાબતે માફી માગી લીધી છે.

બીજી બાજુ બજરંગદળ જેવા સંગઠનો હજુ પણ શાહરૂખને માફ કરવા તૈયાર નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે અમદાવાદના ફિલ્મ રસીકો દિલવાલે બનીને શાહરૂખને માફ કરશે કે કેમ? શાહરૂખખાને દેશમાં અસહિષ્ણુતા હોવાનું નિવેદન અાપતા સોશિયલ મીડિયામાં તેના પર માછલા ધોવાયા હતા. શાહરૂખ બાદ અામિરખાને અસહિષ્ણુતાના મુદ્દે દેશ છોડવાનો તેની પત્નીને વિચાર અાવ્યો હતો. તેવી વાત કરતા જોરદાર વિવાદ સર્જાયો હતો.

શાહરૂખખાન અને અામિરખાનની ફિલ્મનો બહિષ્કાર કરવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. અા અંગે બજરંગદળના પ્રમુખ જ્વલિત મહેતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમે શાહરૂખખાનની ફિલ્મ દિલવાલે ન જોવા માટે શહેરની કોલેજોમાં ગ્રુપ મીટિંગ કરી છે, તેમ જ ઘરે ઘરે પેમ્ફ્લેટ પણ વહેંચ્યા છે. જ્યારે કાલે ફિલ્મ રિલિઝ થયા બાદ શું કરવું તેનું નિર્ણય અાજે સાંજે લેવામાં અાવશે.

અા અંગે શહેરના વાઈડએન્ગલ મલ્ટીપ્લેક્સના માલિક રાકેશ પટેલે જણાવ્યું કે અત્યારે અમારા થિયેટરમાં દિલવાલે ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ બંધ કરી દેવામાં અાવ્યું છે. જ્યારે ઓનલાઈન પણ કોઈ અપડેટ મૂકવામાં અાવી નથી. કાલે ફિલ્મ અાવ્યા બાદ જરૂર પડશે તો પોલીસ પ્રોટેક્શન પણ માગવામાં અાવશે.

જ્યારે સિનેમા એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યું કે અા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. અાજે સાંજ સુધી નિર્ણય લેવાશે. જરૂર પડશે તો થિયેટરોમાં પોલીસ પ્રોટેક્શન અપાશે. અમદાવાદ શહેર સેક્ટર-૧ જેસીપી રાજીવ રંજન ભગતે જણાવ્યું કે દિલવાલે ફિલ્મને લઈને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વોચ દરેક વિસ્તારમાં ગોઠવવામાં
અાવી છે.

You might also like