મારી અને શાહરૂખની જોડી સૌથી રોમેન્ટિકઃ કાજોલ

પોતાના અદભુત અભિનય માટે જાણીતી મશહૂર કાજોલ ફરી એક વાર કિંગ ખાન સાથે કામ કરી રહી છે. બોલિવૂડના જાણીતા નિર્દેશક રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલે દ્વારા તે લગભગ પાંચ વર્ષ બાદ ફરી રૂપેરી પરદે જોવા મળશે. આટલા દિવસો બાદ ગ્લેમરની દુનિયામાં એન્ટ્રી કરનાર કાજોલ ઉત્સાહમાં પણ છે. બોલિવૂડમાં શાહરુખ અને કાજોલની જોડીને હિટ માનવામાં આવે છે. શું આ જોડી દિલવાલેની સાથે પણ ઇતિહાસ દોહરાવશે. આ સવાલના જવાબમાં સમય સાથે વધુ ને વધુ સુંદર બની રહેલી કાજોલ કહે છે કે કોઇ પણ ફિલ્મકાર હંમેશાં સફળતાની આશા રાખે છે. રોહિત શેટ્ટી ખુદ સફળ ફિલ્મોનું બીજું નામ માનવામાં આવે છે તો તેમની ફિલ્મો એમ પણ કોઇ શંકા-કુશંકાથી દૂર માનવામાં આવે છે. જ્યાં સુધી શાહરુખ અને મારી જોડીનો સવાલ છે તો તેમાં કોઇ શક નથી કે બોલિવૂડમાં અમારી જોડીને સૌથી રોમેન્ટિક જોડી માનવામાં આવે છે. અમે એકસાથે બાજીગર, કરણ અર્જુન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કભી ખુશી કભી ગમ, કુછ કુછ હોતા હૈ, માય નેમ ઇઝ ખાન જેવી ઘણી સુપરહિ્ટ ફિલ્મો આપી છે. આવા સંજોગોમાં દિલવાલેની સફળતાને લઇને કોઇ શક નથી.

દિલવાલે એક્શન, કોમેડી, ડ્રામાનું મિકસચર છે. ફિલ્મમાં એક બાજુ શાહરુખ ખાન અને વરુણ ફુલ એક્શન અવતારમાં જોવા મળશે તો કોમેડીનો દારોમદાર જોની લીવર અને વરુણ શર્મા સંભાળી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ગોવા, કેપટાઉન, અબુધાબી અને મોરેશિયસમાં થયું છે. ફિલ્મમાં ઘણા બધા એક્શન સીન પણ છે. દિલવાલેની સાથે બાજીરાવ મસ્તાની પણ રિલીઝ થઇ રહી છે. આ અંગે વાત કરતાં કાજોલ કહે છે કે બોલિવૂડ મારા માટે કોઇ નવી જગ્યા નથી. મેં અહીં એક લાંબો સમય પસાર કર્યો છે. એક જ શુક્રવારે ઘણી ફિલ્મો રિલીઝ થાય છે, પરંતુ દરેક ફિલ્મની પોતાની એક કિસ્મત હોય છે. કિસ્મત તેને હિટ કે ફ્લોપ બનાવે છે. અમે તો દુઆ કરીશું કે બંને ફિલ્મો દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે અને બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરે.

પોતાની ફિલ્મી સફર અંગે વાત કરતાં કાજોલ કહે છે કે મને લાગે છે કે હું ભાગ્યશાળી રહી, કેમ કે મારી ફિલ્મી સફર શાનદાર અને શાંતિપૂર્ણ રહી, જોકે કેટલીક મુશ્કેલીઓ પણ આવી, પરંતુ તે સરળતાથી પાર થઇ ગઇ. મને સંતોષ છે કે લોકોને મારું કામ ગમ્યું. મારી મોટા ભાગની ફિલ્મો હિટ રહી, જેથી દર્શકો અને ફિલ્મકારોનો મારા પર ભરોસો પણ જળવાઇ રહ્યો. પોતાની સફળતાનું રહસ્ય જણાવતાં કાજોલ કહે છે કે મેં શરૂઆતથી જ મારી શરતો પર કામ કર્યું અને મનપસંદ ફિલ્મો કરી. તમે એમ પણ કહી શકો છો કે થોડી કોશિશ અને લોભ પર થોડો કન્ટ્રોલ રાખવાથી મને બધું યોગ્ય સમયે મળતું ગયું. મેં હંમેશાં એ જ કર્યું, જે મને સારું લાગ્યું.

You might also like