ભગવાન ઘણું બધું આપવા ઈચ્છતા હતાઃ શાહરુખ ખાન

બોલિવૂડનો કિંગ ખાન શાહરુખ ખાન ‘જબ હેરી મેટ સેજલ’ નામની ફિલ્મ લઇને તેના ચાહકો સમક્ષ ફરી એક વાર આવી ગયો છે. આ ફિલ્મ પણ સેન્સર બોર્ડની અડફેટે આવી. તે કહે છે કે ફિલ્મમાં કોઇક વાત એવી હતી કે સેન્સર બોર્ડના સભ્યોને તે યોગ્ય ન લાગી. હું ૯૯ ટકા તેમની વાતોનું માન રાખું છું, કેમ કે તેમની પોતાની ગાઇડ લાઇન્સ હોય છે. અમે ઘણી વાર એવા શબ્દોને બદલવામાં સહેજ પણ વિચાર કરતા નથી, જેનો ફિલ્મ પર કોઇ પ્રભાવ ન પડતો હોય, પરંતુ ઘણી વાર ફિલ્મમાં તે વસ્તુ જરૂરી હોય છે.

‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મ વખતે રેગિંગ શબ્દ પર સેન્સર બોર્ડે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે મને કહ્યું હતું કે લોકો મને રોલ મોડલ માનીને છોકરીઓ સાથે રેગિંગના નામે છેડતી શરૂ કરશે. મને તેમની વાત યોગ્ય લાગી હતી. લોકો જ્યારે મારી હેરસ્ટાઇલ અને ડ્રેસ કોપી કરી શકતા હોય તો આ પણ કરી શકે. જ્યારે પણ સેન્સર બોર્ડે મને કંઇક બદલવા કહ્યું છે ત્યારે મેં ચોક્કસ બદલ્યું છે. ‘હેપ્પી ન્યૂ યર’ ફિલ્મમાં પણ તેમણે મને ‘બાબાજી કા ઠુલ્લુ’ શબ્દ ન બોલવા કહ્યું હતું.

ઇન્ડસ્ટ્રીમાં શાહરુખને ૨૫ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. તેને પૂછવામાં આવ્યું કે શું તે પાછળ જઇને કોઇ પણ વસ્તુ બદલવા કે કરેક્ટ કરવા ઇચ્છશે? તેણે જણાવ્યું કે મને લાગતું નથી કે હું મારી જિંદગીમાં પાછળ જઇને કંઇ પણ કરેક્ટ કરવા ઇચ્છીશ. નાની ઉંમરમાં માતા-પિતાને ગુમાવવાનું દર્દ મને જરૂર થયું હતું, પરંતુ પછી હું વિચારું છું કે ભગવાને મારાં માતા-પિતા છિનવી લીધાં, કેમ કે તેઓ મને આટલું બધું આપવા ઇચ્છતા હતા. જો મારી માતાનું મૃત્યુ ન થયું હોત તો હું ક્યારેય મુંબઇ ન આવત. માતાના ચાલ્યા ગયા બાદ હું દિલ્હીથી દુઃખી થઇ ગયો હતો. હું માનું છું કે જે કંઇ મને આજે મળ્યું છે તેની અવેજીમાં માતા-પિતાને ગુમાવવાં ખૂબ મોટી કિંમત છે, પરંતુ મને ગૌરી અને બાળકો પણ તો મળ્યાં. હું ઇચ્છીશ કે મારા પિતા જે દુનિયામાં હોય ત્યાં તેઓ જુએ કે હું ખુશ છું અને સફળ છું. •

You might also like