શહજાદે એક જ દિવસમાં બે અર્ધસદી ફટકારી રેકોર્ડ સર્જી દીધો

દુબઈઃ આઇસીસી દ્વારા આયોજિત ડેઝર્ટ ટી-૨૦ ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન મોહંમદ શહજાદે એક જ દિવસમાં રમાયેલી બે અલગ અલગ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં બે વાર અર્ધસદી ફટકારીને એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે. સૌથી પહેલાં ઓમાન સામે રમાયેલા પહેલા સેમિફાઇનલ મુકાબલામાં શહજાદે ૬૦ બોલમાં ૮૦ રનની તોફાની ઇનિંગ્સ રમી અને પોતાની ટીમને ફાઇનલમાં સ્થાન અપાવ્યું. એ જ દિવસે ફાઇનલ મુકાબલો આયર્લેન્ડ સામે રમાયો.

ડે-નાઇટ રમાયેલા આ ફાઇનલ મુકાબલામાં અફઘાનિસ્તાનના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું અને આયર્લેન્ડની આખી ટીમે ૧૩.૨ ઓવરમાં માત્ર ૭૧ રનમાં જ ઓલઆઉટ કરી દીધી. ૭૨ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી અફઘાનિસ્તાનની ટીમે માત્ર આઠ ઓવરમાં મેચ જીતી લઈ ખિતાબ પોતાના નામે કરી લીધો હતો.
ફાઇનલ મુકાબલામાં પણ શહજાદે શાનદાર બેટિંગ કરી અને ૪૦ બોલમાં ૫૦ રન ફટકારીને એક જ દિવસમાં બે વાર અર્ધસદી ફટકારવાનો અનોખો રેકોર્ડ નોંધાવી દીધો. આમ શહજાદ ટી-૨૦ ફોર્મેટમાં આવું કરનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ દિવસમાં બે મેચમાં બે વાર અર્ધસદી ફટકારી હોય.
વિરાટનો રેકોર્ડ તોડી નાખ્યો

શહજાદની આઇસીસીની એક જ ટૂર્નામેન્ટમાં આ ચોથી અર્ધસદી હતી અને તેણે એક જ ટી-૨૦ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ અર્ધસદી ફટકારવાના મામલામાં વિરાટ કોહલીના રેકોર્ડને પણ તોડી નાખ્યો. કોહલીએ ગત વર્ષે ટી-૨૦ વિશ્વકપમાં ત્રણ અર્ધસદી ફટકારી હતી.

http://sambhaavnews.com/

You might also like