શા‌હિદ કપૂરની પત્ની મીરાંએ પુત્રને જન્મ આપ્યો

મુંબઇ: શા‌હિદ કપૂર અને મીરાં રાજપૂતના ઘરે ફાઇનલી નવા મહેમાનનું આગમન થઇ ચૂક્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સ્ટાર જોડી ફરી એક વાર પેરન્ટ્સ બની છે. આ વખતે મીરાંએ પુત્રને જન્મ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં બંનેની એક પુત્રી છે. આ પહેલાં પ્રેગ્નન્ટ મીરાં રાજપૂતને ગઇ કાલે સાંજે ૪-૦૦ વાગ્યે હોસ્પિટલમાં ભરતી કરાવાઇ હતી. એકાદ દિવસ પહેલાં શા‌હિદ કપૂર અને મીરાં રાજપૂતને મુંબઇની એક લોકપ્રિય રેસ્ટોરાંમાં ડિનર ડેટ પર જતાં સ્પોટ કરાયાં હતાં.

શા‌હિદ હજુ પણ પેટરનિટી લિવ પર છે. ખૂબ જ જલદી તે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તેનો ફર્સ્ટ શેડ્યૂલ દિલ્હીમાં હશે. સૂત્રોએ જણાવ્યું કે આ દરમિયાન મીરાં પણ તેની સાથે રહેશે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થનાર છે.

શા‌હિદ અને મીરાંને એક પુત્રી છે, તેનું નામ મિશા છે. તેનો જન્મ ર૬ ઓગસ્ટ, ર૦૧૬ના રોજ થયો હતો. તે તાજેતરમાં જ બે વર્ષની થઇ છે. ૩૪ વર્ષીય શા‌હિદ કપૂરે ર૧ વર્ષીય મીરાં રાજપૂત સાથે ૭ જુલાઇ, ર૦૧પના રોજ લગ્ન કર્યાં હતાં. શા‌હિદે આ વર્ષના એપ્રિલ મહિનામાં મીરાં ફરી વખત પ્રેગ્નન્ટ હોવાની જાહેરાત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું કે માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. મીરાં અને શા‌હિદ પોતાના બીજા બાળકને લઇને ખૂબ જ ઉત્સાહિત હતાં. મીરાંએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના ઘરે પુત્ર કે પુત્રી આવે તેનાથી કોઇ ફરક પડતો નથી. પોતાની પુત્રીનું નામ તેમણે મીરાં અને શા‌હિદના નામના પહેલા અક્ષરને મેળવીને રાખ્યું હતું.

મીરાં અને શા‌હિદને બોલિવૂડમાંથી અભિનંદન મળવાની શરૂઆત થઇ ચૂકી છે. બાળકના જન્મ સમયે મીરાં રાજપૂતની માતા, પંકજ કપૂર અને ઇશાન ખટ્ટર હોસ્પિટલમાં હાજર હતાં.

You might also like