સુધરે એનું નામ આફ્રિદી નહીં: ફરી કાશ્મીરનો રાગ આલાપ્યો

મોહાલી: અગાઉ કાશ્મીર અંગે ટિપ્પણી કરવાને કારણે ભારે ટીકાનો ભોગ બન્યો હોવા છતાં જરા પણ વિચલિત ન થયેલા પાકિસ્તાનની ટીમના કેપ્ટન શાહિદ આફ્રિદીએ વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં મળેલી હાર છતાં ટીમનો જુસ્સો વધારવા મોટા પ્રમાણમાં ઊમટી પડેલા કાશ્મીર પ્રદેશના લોકોનો આભાર માની ગઈ કાલે ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ૨૧ રને પરાજય મેળવ્યા બાદ પત્રકારોને આપેલી મુલાકાતમાં આફ્રિદીએ કહ્યું હતું કે ભારત વિરુદ્ધની મેચમાં પાકિસ્તાનની ટીમને ટેકો આપવા ઊમટી પડેલા કાશ્મીરના લોકોનો હું આભાર માનું છું. પાકિસ્તાન અને કાશ્મીરથી અમને ટેકો આપવા આવેલા લોકોનો હું આભાર માનું છું. ભારતમાં અમારી ખૂબ જ કાળજી રાખવા બદલ હું બીસીસીઆઇનો પણ આભાર માનું છું.

ન્યૂઝીલેન્ડ સામેની આગલી મેચમાં પણ આફ્રિદીએ આ જ રીતે ટોસ દરમિયાન કાશ્મીરી પ્રશંસકોનો આભાર માન્યો હતો. આફ્રિદીના આ નિવેદનની બીસીસીઆઇના સેક્રેટરી અનરાગ ઠાકુરે આકરી ટીકા કરી હતી. ઠાકુરે કહ્યું હતું કે આફ્રિદીનું નિવેદન રાજકીય રીતે યોગ્ય નથી.

You might also like