આફ્રિદી લેશે નિવૃત્તિ, ઓસ્ટ્રેલિયા સામે કરિયરની છેલ્લી મેચ રમશે

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાે કેપ્ટન શાહિદ આફ્રિદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. આગામી શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી મેચ કદાચ તેની કરિયરની અંતિમ મેચ હોઈ શકે છે. મોહાલીમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ૨૨ રનથી પાકિસ્તાનની હાર બાદ પ્રેઝન્ટેશન વખતે આફ્રિદીએ કહ્યું કે, ”ઓસ્ટ્રેલિયા સામેની મેચ મારી કરિયરની કદાચ છેલ્લી મેચ હોઈ શકે છે. જોઈએ હવે શું થાય છે.” આ અગાઉ ઈડન ગાર્ડનમાં પણ ભારત સામે પાકિસ્તાન હાર્યું હતું. આ મેચમાં આફ્રિદી આઠ રને આઉટ થતાં પોતાની ટીમને નિરાશ કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડે પણ આફ્રિદીને ટીમમાંથી કાઢવાનો નિર્ણય કરી લીધો છે. આ ટી૨૦ વર્લ્ડકપની શરૂઆતથી જ આફ્રિદી વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. ભારતીય ફેન્સ અંગે આફ્રિદીએ કહ્યું હતું કે ભારતમાં અમને એટલો પ્રેમ મળે છે કે પાકિસ્તાનમાં પણ એટલો પ્રેમ નથી મળતો. તેના આ નિવેદન બાદ  પાકિસ્તાનની કોર્ટે આફ્રિદીને સમન્સ પાઠવ્યો હતો.

આફ્રિદીએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
શાહિદ આફ્રિદી ટી-૨૦ વિશ્વકપના ઇિતહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બની ગયો છે. આફ્રિદીએ ૩૯ વિકેટ ઝડપવાની સાથે શ્રીલંકાના લસિથ મલિંગા (૩૮ વિકેટ)ના રેકોર્ડને તોડી નાખ્યો હતો. વિશ્વકપ પહેલાં આફ્રિદીના નામે ૩૫ વિકેટ નોંધાયેલી હતી. મોહાલીમાં ન્યૂઝીલેન્ડ સામે ગઈ કાલે રમાયેલી મેચમાં આફ્રિદીએ બે વિકેટ ઝડપી હતી. એ પહેલાં તેણે અન્ય ગ્રૂપમાં પણ બે વિકેટ ઝડપી હતી. આ રીતે આફ્રિદીએ મલિંગાનો પાછળ છોડી દીધો છે. મલિંગા હાલ ઈજાગ્રસ્ત હોઈ વર્લ્ડકપમાં રમી રહ્યો નથી.આફ્રિદીએ ૩૩મી મેચમાં મલિંગાનો રેકોર્ડ તોડ્યો. મલિંગા જોકે ૩૧ મેચ રમી ચૂક્યો છે. આફ્રિદી અને મલિંગા બાદ પાકિસ્તાનના સઈદ અજમલે ૨૩ મેચમાં ૩૬ વિકેટ ઝડપી છે. અસંથા મેન્ડિસે ૨૧ મેચમાં ૩૫ વિકેટ, ઉમર ગુલે ૨૪ મેચમાં ૩૫ વિકેટ ઝડપી છે.

You might also like