શાહિદ આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

કરાચીઃ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ તેની ૨૧ વર્ષ જૂની અને અવારનવાર વિવાદમાં રહેનારી કરિયર પણ સમાપ્ત થઈ ગઈ છે. ૩૬ વર્ષીય આફ્રિદીએ ટેસ્ટ મેચ અને વન ડેને અગાઉ જ અલવિદા કહી દીધું હતું, જોકે વર્ષ ૨૦૧૬માં ભારતમાં રમાયેલી ટી-૨૦ વર્લ્ડકપમાં આફ્રિદી પાકિસ્તાની ટી-૨૦ ટીમનો કેપ્ટન હતો. ટૂર્નામેન્ટ બાદ આફ્રિદીએ કેપ્ટનશિપ છોડી દીધી હતી, પરંતુ એક ખેલાડીના રૂપમાં ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખ્યું હતું.

૩૭ બોલમાં જ શ્રીલંકા સામે સદી ફટકારી હતી
શાહિદ આફ્રિદી એ સમયે બધાનાં દિલ પર છવાઈ ગયો હતો, જ્યારે વર્ષ ૧૯૯૬માં તેણે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં ફક્ત ૩૭ બોલમાં જ સદી ફટકારી દીધી હતી. આફ્રિદીની એ બીજી જ મેચ હતી અને તેના આ રેકોર્ડને ૧૭ વર્ષ સુધી કોઈ તોડી શક્યું નહોતું. પોતાની કરિયરની બીજી ઇનિંગ્સ સુધી આવતા આવતા આફ્રિદી એક શાનદાર ઓલરાઉન્ડરના રૂપમાં ઓળખાવા લાગ્યો હતો.

ટી-૨૦ ક્રિકેટમાં પાકિસ્તાનની શરૂઆતની સફળતાનો દારોમદાર આફ્રિદી પર જ રહેતો હતો. વર્ષ ૨૦૦૯માં પાકિસ્તાનની જીતમાં પણ તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરને સમાપ્ત કરતા સુધીમાં આફ્રિદીએ કુલ ૨૭ ટેસ્ટમાં ૧૧૭૬ રન બનાવ્યા છે. ટેસ્ટ મેચમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૧૫૬ રનનો રહ્યો છે. તેણે ૪૮ વિકેટ પણ ઝડપી છે. આફ્રિદીની વન ડે કરિયરની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધી ૩૯૮ વન ડે રમી છે, જેમાં તેણે ૮૦૬૪ રન બનાવ્યા છે. વન ડેમાં આફ્રિદીનો સર્વોચ્ચ સ્કોર ૧૨૪ રનનો રહ્યો છે, જ્યારે પોતાની લેગ સ્પિન બોલિંગથી આફ્રિદીએ વન ડેમાં કુલ ૩૯૫ વિકેટ ઝડપી છે.

http://sambhaavnews.com/

You might also like