શહેરકોટડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દસ દિવસથી ગુમ

અમદાવાદઃ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ ચાવડા છેલ્લા દસ દિવસથી ગુમ થતાં પોલીસબેડામાં ચકચાર મચી છે. પરિવારજનોએ આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી હોવાની પરિવારજનો આશંકા વ્યક્ત કરી છે, જોકે પોલીસ અને પરિવારજનોએ કોન્ટેબલના ફોટા તમામ પોલીસ સ્ટેશન અને સો‌િશયલ મીડિયામાં આપી શોધખોળ હાથ ધરી છે.

મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રંગપુર ગામના રહેવાસી અને હાલ મેઘાણીનગર વિસ્તારમાં ન્યૂ મેન્ટલ બારી પાસે આવેલા સીઆઇડી ક્વાર્ટર્સમાં રહેતા ઉપેન્દ્રસિંહ રામસિંહ ચાવડા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. દિવાળી વેકેશન હોઈ ઉપેન્દ્રસિંહનાં પત્ની તેમના પુત્ર સાથે પિયરમાં ગયાં હતાં.. ર૩ ઓક્ટોબરના રોજ તેમનાં પત્નીએ ફોન કરતાં ઉપેન્દ્રસિંહે ફોન ઉપાડ્યો ન હતો. ફોન ઉપાડતા ન હોઈ તેઓએ પાડોશીને જાણ કરી હતી. પાડોશીએ તપાસ કરતાં ઘર બંધ હતું. ફોન પણ ન ઉપાડતા હોઈ તેમનાં પત્નીએ ઘરે આવીને ઘર ખોલતાં ઉપેન્દ્રસિંહનો મોબાઈલ મળી આવ્યો હતો. ઉપેન્દ્રસિંહ ઘરમાં મળી ન આવતાં રંગપુર ખાતે રહેતાં તેમનાં માતા-પિતા અને સંબંધીઓને જાણ કરી હતી.

દસ દિવસ સુધી તપાસ કરતાં તેઓની કોઈ જ ભાળ ન મળતાં ગઈ કાલે તેમનાં પરિવારજનોએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહનાં પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓને કોઈ પણ પ્રકારની કોઈ સાથે દુશ્મનાવટ, કૌટુંબિક સમસ્યા અથવા દેવું ન હતું, જોકે પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે તેઓને કોઈ સાથે બોલાચાલી થઇ હોય અને તેઓની હત્યા કરવામાં આવી હોઈ શકે. સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ-વેસ્ટ-અડાલજ અને રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનો
તેમજ સોશિયલ મીડિયામાં ઉપેન્દ્રસિંહના ફોટા મોબાઈલ નંબર સાથે આપી તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

શહેરકોટડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ. એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ૧૯ ઓક્ટોબરથી નોકરી પર ગેરહાજર છે. તેમનાં પરિવારજનોએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ. ડી. ગોહિલે જણાવ્યું હતું કે ઉપેન્દ્રસિંહના મોબાઈલની કોલ ડીટેલ મંગાવવામાં આવી છે તેમજ તેમનાં સગાં-સંબંધી અને અન્ય જગ્યાએ તપાસ ચાલુ છે.
– અનિરુદ્ધસિંહ મકવાણા

You might also like