નેતાઓને ૬૦ પછી રાજકારણ છોડવા અમિત શાહની સલાહ

ચિત્રકૂટ (ઉ.પ્ર.): બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા ચોતરફથી થઈ રહેલા પ્રહારોનો સામનો કરી રહેલા પક્ષ અધ્યક્ષ અમિત શાહે એક નિવેદન આપીને નવો વિવાદ જગાવ્યો છે. જો કે પાછળથી શાહે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.

ચિત્રકૂટ પહોંચેલા અમિત શાહે નેતાઓને સલાહ આપી હતી કે ૬૦ વર્ષની વય વટાવ્યા બાદ તરત જ તેમણે રાજકારણમાંથી સન્યાસ લઈ લેવો જોઈએ. ૬૫ વર્ષીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીકટના અમિત શાહના આ નિવેદનના ઘણાં રાજકીય અર્થ કાઢવામાં આવે છે. શાહ પોતે અત્યારે ૫૧ વર્ષના છે.

નિવેદનનો અર્થ કાઢનારા ઘણાં લોકો તો એટલે સુધી કહે છે કે શાહનું નિશાન વડાપ્રધાન મોદી તો નથી ને. અમિત શાહે જનસંઘના સ્થાપકોમાં એક રહેલાં નાનાજી દેશમુખના વિચારોનો આશ્રય લેતા જણાવ્યું હતું કે ૬૦ વર્ષ વટાવનારા નેતાઓએ રાજકારણ છોડીને સમાજસેવાનું ક્ષેત્ર અપનાવવું જોઈએ. શાહના આ નિવેદનને ભાજપના હાંસિયામાં ધકેલી દેવાયેલા અડવાણી જૂથના હુમલાના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભાજપમાં સક્રિય રાજકારણમાં રહેલા ટોચના નેતાઓની સાથે જ કેન્દ્ર સરકારના મંત્રીઓમાં પણ ઘણાં ૬૦ વર્ષથી વધુની વયના છે. એક ટ્રસ્ટના કાર્યક્રમમાં આવેલા અમિત શાહે જણાવ્યું હતું કે નાનાજી રાષ્ટ્રપતિના હોદ્દા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવતા હતા, પરંતુ તેમણે ૬૦ વર્ષની વય વટાવતા જ પોતે હવે સમાજસેવા પાછળ સમય આપશે તેમ કહી ને રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.

You might also like