શાહરુખે ગેરકાયદે રેમ્પ માટે રૂ. ૧.૯૩ લાખનો દંડ ચૂકવ્યાે

મુંબઈ: બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાને મુંબઈમાં બાંદરા બેન્ડ સ્ટેન્ડ નજીક આવેલા પોતાના બંગલા ‘મન્નત’ની બહાર ગેરકાયદે બનાવવામાં આવેલા રેમ્પ માટે રૂ. ૧.૯૩ લાખનો દંડ ચૂકવ્યો છે. બીએમસીએ આ રેમ્પ તોડી નાખ્યા બાદ તેના અવેજમાં દંડ ભરવા અથવા સજા ભોગવવાની નોટિસ મોકલી હતી.

આરટીઆઈના કાર્યકર અનિલ ગલગલી દ્વારા માગવામાં આવેલી માહિતીના જવાબમાં બીએમસીએ જણાવ્યું હતું કે બોલિવૂડના અભિનેતા શાહરુખ ખાને તેમને આપેલી નોટિસના જવાબમાં રૂપિયા ૧.૯૩ લાખનો ચેક આપીને દંડ ચૂકવી દીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાને પોતાના બંગલા ‘મન્નત’ની બહાર ગેરકાયદે એક રેમ્પ (પ્લેટફોર્મ) ઊભો કર્યો હતો. શાહરુખ ખાન આ રેમ્પનો ઉપયોગ પોતાની વેનિટી વાનના પાર્કિંગ માટે કરતો હતો. જાહેર જમીન પર આ રીતે ગેરકાયદે રેમ્પ બનાવીને જમીનનો ગેરકાયદે કબજો પચાવી પાડવાના મામલે ભારે ઊહાપોહ થયો હતો. ત્યાર બાદ બીએમસીએ ૬ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ શાહરુખ ખાનને નોટિસ મોકલી હતી.

શાહરુખ ખાને કોઈ કાર્યવાહી નહીં કરતાં નોટિસના સમયગાળાની સમા‌િપ્ત બાદ બીએમસીએ ૧૫મી ફેબ્રુઆરીના રોજ રેમ્પ તોડી નાખવાની કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ બીએમસીએ ગેરકાયદે માળખું તોડી નાખવાના અવેજમાં રૂ. ૧.૯૩ લાખનો દંડ ભરવા અથવા તો સજા ભોગવવા નોટિસ આપી હતી. આ નોટિસના જવાબમાં શાહરુખ ખાને રૂ. ૧.૯૩ લાખનો દંડ ચૂકવી દીધો છે.

You might also like