શેડો બેન્કિંગ કંપનીઓ તૂટવાના આરેઃ શેરબજારમાં ભારે ફફડાટ

નવી દિલ્હી: આઈએલએન્ડએફએસ સંકટના કારણે ભારતના શેરબજાર અને અર્થતંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આર્થિક બાબતોનો સચિવ સુભાષચંદ્ર ગર્ગે જણાવ્યું છે કે સરકારી કર્જમાં ફસાયેલી કંપની આઇએલએન્ડએફએસની સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

તેના કારણે નાણાકીય બજારો પર પ્રતિકૂળ અસર ન પડે તે માટે સરકાર યોગ્ય પગલાં લેશે. આઇએલએન્ડએફએસ ગ્રૂપની કેટલીક કંપનીઓ દ્વારા લોનમાં મોટો ડિફોલ્ટ કરવામાં આવતા લિક્વિડિટીનો ખતરો ઊભો થયો છે.

બેન્કિંગ સેક્ટરમાં એનપીએની સમસ્યા માટે જવાબદાર કેટલીક નાણાકીય કંપનીઓ (શેડો બેન્કિંગ)ના ડૂબી જવાનો ખતરો ઊભો થયો છે. આઇએલએન્ડએફએસ દેશમાં શેડો બેન્કિંગની સૌથી મોટી કંપની છે અને દેશની કેટલીય દિગ્ગજ બેન્કોના રૂ. ૯૧ હજાર કરોડ આ કંપની પાસે બાકી લેણા નીકળે છે. જો આ શેડો બેન્ક તૂટી જશે તો દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ અને એલઆઇસીનું રૂરલ કનેક્ટ પણ તૂટી જશે.

દેશના શેડો બેન્કિંગ સેક્ટરમાં ૧૧,૪૦૦થી વધુ કંપનીઓ છે અને તેમનો કુલ બિઝનેસ રૂ. ૨૨ ટ્રિલિયન એટલે કે ૩૦૪ અબજ ડોલરથી વધુ છે. રિઝર્વ બેન્કના આંકડા અનુસાર શેડો બેન્કિંગની નવી લોન આપવાની ગતિ બેન્કો દ્વારા નવી ગતિ કરતા બમણી છે, જેના કારણે તેના ક્રેડિટ રેટિંગમાં સારો વધારો જોવા મળ્યો છે.

શેડો બેન્કિંગની એનપીએ અમેરિકાના કુખ્યાત નાણાકીય સંકટ લેહમેન કટોકટી જેવી થઇ શકે છે, જોકે કેન્દ્ર સરકાર સ્પષ્ટતા કરી ચૂકી છે કે શેડો બેન્કિંગને ડૂબવા નહીં દેવાય. શેડો બેન્કિંગની અસરના કારણે શેરબજારમાં સપ્ટેમ્બર મહિનામાં રોકાણકારોના રૂ. ૧૩.૫૯ લાખ કરોડ ડૂબી ગયા છે.

બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના શેરની વેલ્યૂ ૩ સપ્ટેમ્બરે ૧,૫૮,૫૬,૪૪૬.૦૬ રૂપિયા હતી તે ૨૮ સપ્ટેમ્બરના રોજ ગગડીને રૂ. ૧,૪૪,૯૬,૮૯૦.૬૭ થઇ ગઇ છે. ગઇ કાલે ઇ-કોમર્સ કંપની ઇન્ફીબીમ એવન્યૂ લિ.ની માર્કેટ વેલ્યૂ માત્ર એક જ દિવસમાં ૭૧ ટકા ગગડી ગઇ હતી.

ગુરુવાર બજાર બંધ થયું ત્યારે બીએસઇ અને એનએસઇ પર ઇન્ફીબીમ શેરની કિંમત અનુક્રમે રૂ. ૧૯૭.૫૫ અને રૂ. ૨૦૦.૩૫ હતી તે શુક્રવારે ગગડીને અનુક્રમે રૂ. ૭૦.૨૪ અને રૂ. ૭૧.૭૦ થઇ ગઇ હતી.

You might also like