શબરી પદરજ પરસતાં

શબરી ભગવાનની અનન્ય ભક્તિ કરતી હતી. તે જંગલમાં રહેતી હતી. જંગલમાં ઋષિઓના આશ્રમ પણ હતા. ત્યાં એક સુંદર પાણીનો કુંડ પણ હતો. ત્યાં નિત્ય ઋષિઓ સ્નાન કરતા. તે કુંડમાં તે એક વખત સ્નાન કરવા ગઇ. અચાનક ઋષિઓ જોઇ ગયા અને ક્રોધ કરી બોલ્યાઃ હે શૂદ્ર! અમારો કુંડ અપવિત્ર કર્યો?
ઋષિઓએ ન કહેવાનું શબરીને કહીને ઘોર અપમાન કર્યુંને તેના દોષોનું ચિંતન કર્યું તેથી તે પાણીનો કુંડ અવગુણરૂપી પાપે કરીને લોહીનો થઇ ગયો. આ જોઇ ઋષિઓ આશ્ચર્ય પામી ગયા.
પછી તે ઋષિઓએ ભગવાનનું ધ્યાન ધર્યું. ભગવાને દર્શન દઇને કહ્યું કે ‘મારી અનન્યભાવે ભક્તિ કરનાર શબરીનું અપમાન કરી દોષભાવ પરઠ્યો છે તેથી કુંડ લોહીનો થયો છે, માટે તમે એની માફી માગી તેનો પગ કુંડમાં બોળાવો તો જ પાણી નિર્મળ થશે.’
બધા ઋષિઓ ભેગા થયા અને શબરીની પાસે જઇને પોતાના કૃત્ય બદલ ક્ષમા યાચના માગી. શબરીને માન-અપમાન સમાન થઇ ગયાં હતાં. તેથી મનમાં કાંઇ દુઃખ ન હતું. તે તરત આવ્યાં અને પગ કુંડમાં બોળ્યો એટલે કુંડ અગાઉ જેવો હતો તેવો નિર્મળ થઇ ગયો.
અધિક જનાયો આપસે, જન મહિમા રઘુવીર,
શબરી પદરજ પરસતાં, નિર્મળ થઇ ગયો નીર.•
સ્વામિનારાય મંદિર-કુમકુમ મણિનગર

You might also like