એસ.જી. હાઇવે પર ગાર્ડન બહાર વાહનચોરી કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ: શહેરનાં એસ.જી. હાઇવે પર આવેલા ગાર્ડન બહારથી ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી વાહન ચોરી કરતી ગેંગની સોલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ બાઇક કબજે કર્યાં છે. સિંધુ ભવન રોડ, સોલા સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં તેઓ વાહન ચોરી કરવા પાટણથી અમદાવાદ આવતા હતાં.

સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ વાહન ચોરીઓ થતી હોઇ પીએસઆઇ ગોસ્વામી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાનમાં બાતમીના આધારે ભરત ઠાકોર (ઉ.વ. ર૧, રાયસણ, ગાંધીનગર), જયેશ ઠાકોર (ઉ.વ. ૧૯, રહે. વડનગર), સંજયપુરી ગોસ્વામી (ઉ.વ. રપ, રહે બાસપા, સમી) અને મહેશ ઠાકોર (ઉ.વ. ર૦, રહે બાસપા, સમી)ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ત્રણ બાઇક કબજે કર્યાં હતાં.

પોલીસે ત્રણેયની પૂછપરછ કરતાં બે બાઇક સિંધુ ભવન રોડ પર ગોટિલા ગાર્ડન બહારથી ચોરી કર્યા હતા. જ્યારે અન્ય એક બાઇક સોલા સાયન્સ સિટી રોડ પર આવેલા ગાર્ડનની બહારથી ચોરી કર્યું હતું.

You might also like