દેહવ્યાપારની ના પાડી તો પકડથી નખ ખેંચી લીધા!

અમદાવાદ: બાંગ્લાદેશથી કુમળી વયની છોકરીઓને ભોળવીને અમદાવાદમાં લાવીને દેહ વેપારના ધંધામાં ધકેલવા માટે કાર્યરત ગેંગને સોલા પોલીસે ઝડપી લીધી છે. બાંગ્લાદેશથી ખરીદેલી ત્રણ 12 થી 15 વર્ષની સગીરાઓને લગ્ન કરવાની લાલચ આપીને અમદાવાદ લાવવામાં આવી હતી અને ત્યાર બાદ ગુજરાતના અનેક શહેરમાં તેમને દેહ વેપાર માટે મોકલવામાં આવતી હતી. સગીરાઓએ દેહ વેપાર કરવાનો ઇન્કાર કરતાં આરોપીઓએ પકડ વડે તેમના નખ ખેંચી લેવાની ધમકી આપી હતી. જે પૈકી આરોપીઓએ એક સગીરાનો નખ ખેંચી લીધો હોવાની વિગતો પોલીસ વિભાગે આપી છે. આ સિવાય તેમને લોખંડના દંડાથી માર માર્યો હોવાનું પણ ખુલ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોતા હાઉસિંગના મકાનમાં રહેતો સુમન અને બીજા ત્રણ યુવકોએ બાંગ્લાદેશની 12 થી 15 વર્ષની સગીરાઓનાે સોદા કર્યો હતો. ત્યાર બાદ તેમને લગ્નની લાલચ આપીને અમદાવાદમાં લાવવામાં આવી હતી. ગોતાના હાઉસિંગ બોર્ડનાં મકાનમાં તેમને રાખવામાં આવી હતી .પકડાયેલા આરોપીઓએ સગીરાઓને દેહ વેપાર માટે તૈયાર કરી હતી. જોકે સગીરાઓએ દેહ વેપાર માટેનો ઇનકાર કરતાં તેમના નખ કાપી લેવાની ધમકી આરોપીઓએ આપી હતી. ત્રણ સગીરાઓ પૈકી બે સગીરા આરોપીઓની બીકથી દેહ વેપાર માટે તૈયાર થઇ ગઇ હતી.

સગીરાઓને ભાવનગર, પાટણ જેવાં ગુજરાતનાં અનેક શહેરમાં એક અઠવાડિયા સુધી મોકલતા હતા અને તેમની સાથે દેહ વેપાર કરાવતા હતા. આરોપીઓ ગ્રાહક દીઠ સગીરાઓને 150 રૂપિયા આપતા હતા. આરોપીઓ વિરુદ્ધમાં પોસ્કો હેઠળ તેમજ માનવ તસ્કરીનો પણ ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ છે. તેમની પૂછપરછમાં બાંગ્લાદેશથી યુવતીઓની તસ્કરીનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ છે.

You might also like