સુએજ સ્લજના હાઈજીનાઈઝેશનના પ્રોજેક્ટને સ્ટેન્ડિંગ કમિટીની લીલી ઝંડી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા ભારતમાં સૌ પ્રથમ સુએજ સ્લજના હાઈજિનાઈઝેશન માટે એડવાન્સ રેડિયેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંગે કરાર કરવામાં આવેલ છે જે અંતર્ગત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી) દ્વારા અમદાવાદમાં ૧૦૦ ટન પ્રતિ દિવસ ડ્રાય સુએજ સ્લજના હાઈજીનાઈઝેશન માટે કોબાલ્ટ-૬૦ ગામા રેડિયેશન પ્લાન્ટ શરૃ કરવા તમામ પ્રકારની ટેકનિકલ તેમજ સાયન્ટિફિક મદદ કરવામાં આવશે.

એસ.ટી.પી.માંથી નીકળતા સ્લજમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રોગો ફેલાવતાં જંતુઓ રહેલા તેમજ બીજા ઘણાં જંતુઓ તેમજ ઝેરી અસર ધરાવતાં કેમિકલ્સ અને ઓર્ગેનિક પ્રદૂષકો જેવા કે પેસ્ટીસાઈડ, પોલીએરોમેટિક હાયડ્રોકાર્બન વગેરે હોય છે. આ ઉપરાંત તેમાં પાક માટે જરૃરી પોષક તત્ત્વો જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝીંક, આર્યન, કોપર, મેગેનીઝ વગેરે હોય છે જેથી આ સ્લજને યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં આવે તો તેને ખાતર તરીકે વાપરવા માટે રિસાઈકલ કરી શકાય છે. આ પ્રોજેક્ટને આજે સ્ટેન્ડિંગ કમિટી એ લીલીઝંડી આપી હતી.

બીએઆરસી દ્વારા વિકસાવેલ રેડિયેશન ટેકનોલોજીમાં કોબાલ્ટ-૬૦માંથી નીકળતાં શક્તિશાળી ગામા રેડિયેશન સ્લજમાં રહેલાં પેથોજનનો નાશ કરે છે, તેની દુર્ગંધ ઘટાડે છે તેમજ તેમાં રહેલા ઓર્ગેનિક કેમિકલ્સને બિન અસરકારક કરે છે જેથી સ્લજ બિનહાનિકારક બને છે અને તેનો ખાતર તરીકે ઉપયોગ થઈ શકે છે. હાલમાં સદર પ્રોજેક્ટની સાઈટ અંગે એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (એઈઆરબી) દ્વારા એપ્રુવલ મળે છે અને પ્લાન્ટની ડિઝાઈન અને મશીનરી માટેનું ટેન્ડ મંગાવવામાં આવેલ છે. આ ઉપરાંત પ્લાન્ટ પર સોઈલ ટેસ્ટિંગ કરી જરૃરી સોઈલ વર્કનું ટેન્ડર મંગાવેલ છે.

આ પ્રોજેક્ટ દ્વારા અમ. મ્યુ. કોર્પો. હસ્તકના બધા જ એસટીપીમાંથી નીકળતા સ્લજને ૧૦૦ ટન પ્રતિ દિવસના આરેડિયેશન પ્લાન્ટમાં હાઈજીનાઈઝ કરી તેમાં પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર બેકટેરિયા નાખવામાં આવશે જેથી જંતુ મુક્ત ઉત્તમ સેન્દ્રીય ખાતર ગુજરાતના કિસાનોને ઉપલબ્ધ થશે. જે છાણીયા ખાતર કરતાં પણ વધારે સારા પોષક તત્ત્વો ધરાવે છે જેનાથી રાસાયણિક ખાતરથી બડેલી જમીન સુધારવાની કિસાનોને તક મળશે અને તેનું વેચાણ કરવાથી અમ.મ્યુ. કોર્પો.ને આર્થિક ફાયદો થશે. આ પ્લાન્ટ સ્થાપવા માટે આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં રૃ. ૨૫.૦૦ કરોડની જોગવાઈ કરેલ છે. હાલમાં આ પ્લાન્ટની મશીનરી ડિઝાઈન અને સિવલ વર્કના ટેન્ડર મંગાવેલ છે અને રૃ. ૭.૯૫ કરોડનો વર્ક ઓર્ડર આગામી દિવસોમાં આપવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પટેલે જણાવ્યું હતું.

You might also like