સાત વર્ષની બાળકીનું રહસ્યમય સંજોગોમાં અપહરણ થતાં પોલીસ તંત્રમાં ભારે દોડધામ

અમદાવાદ: નડિયાદમાં જાનકીદાસ સોસાયટી પાસે આવેલા લક્ષ ડુપ્લેકસ ખાતે રહેતી સાત વર્ષની એક બાળકીનું ગઇ કાલે સાંજે રહસ્યમય સંજોગોમાં અપહરણ થતાં પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. સતત શોધખોળ બાદ આજ સવાર સુધી બાળકીનો કોઇ પત્તો લાગ્યો નથી.

પ્રાપ્ત માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે નડિયાદમાં સંતરામ ડેરી રોડ પર જાનકીદાસ સોસાયટી પાસે આવેલ લક્ષ ડુપ્લેકસમાં ૮ નંબરના મકાનમાં રહેતાં વૃદ્ધા કુસુમબહેન ચંદુભાઇ પટેલની સાત વર્ષની પૌત્રી તાન્યા છેલ્લા ચાર વર્ષથી દાદી પાસે રહેતી હતી અને એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.

ગઇ કાલે સવારે ૭ વાગ્યે તાન્યા સ્કૂલ બસમાં અભ્યાસ અર્થે નીકળી હતી ત્યારબાદ બપોરે ૩ વાગ્યે ઘરે પરત આવી સાંજના પાંચ વાગ્યે જાનકીદાસ સોસાયટીમાં ટ્યૂશન માટે ગઇ હતી. સાંજે છ વાગ્યે ઘેર આવ્યા બાદ જમીને તે ઘરની આજુબાજુ રમતી હતી.

રાત્રીના ૯ વાગ્યા સુધી તાન્યા ઘરે પરત નહીં ફરતા દાદી કુસુમબહેને આજુબાજુના પડોશી સાથે સઘન શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. તાન્યાનું કોઇ અજાણ્યા શખસે અપહરણ કર્યું હોવાનું મનાઇ રહ્યું છે. આ અંગે ન‌ડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાતાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. પરંતુ આજ સવાર સુધી બાળકીનો કોઇ પત્તો લાગ્યો નથી. મળતી માહિતી મુજબ તાન્યાના માતા-પિતા લંડનમાં રહે છે. તાન્યા શરૂઆતમાં ૩ વર્ષ તેના મોસાળ રૂપપુરા ખાતે રહેતી હતી. ત્યારબાદ તે દાદી સાથે નડિયાદમાં રહી ભણતી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સોસાયટીની આજુબાજુમાં રહેતા લોકો તેમજ દુકાનદારોની સઘન પૂછપરછ શરૂ કરી છે.

You might also like