અમરનાથ યાત્રાઃ આતંકી હુમલામાં મોતને ભેટેલા યાત્રીઓના મૃતદેહને સુરત લવાયા

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓની બસ પર કરાયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા વલસાડના સાત મૃતકોને આજે બપોરે એરફોર્સના વિશેષ વિમાન દ્વારા સુરત એરપોર્ટ પર લવાયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત ૧૯ લોકો તેમજ ૩ર યાત્રાળુઓને પણ પરત લવાયા હતા. સુરતમાં તમામ ઇજાગ્રસ્તોની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સુરત એરપોર્ટ પર મૃતકોને શ્રદ્ધાંજ‌િલ અર્પી હતી.

વલસાડ જિલ્લાની ત્રણ જેટલી બસ જમ્મુ-કાશ્મીર અમરનાથ યાત્રાએ ગઇ હતી. ગઇ કાલે ત્રણમાંથી એક બસના યાત્રાળુઓએ સાઇટ સીન જોવાની જીદ કરતાં બે બસ આગળ નીકળી ગઇ હતી અને એક બસ પાછળ રહી ગઇ હતી. દરમ્યાનમાં અનંતનાગ પાસે આતંકવાદીઓએ બસ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં સાત યાત્રાળુઓનાં મોત થયાં હતાં, જ્યારે ૧૯ લોકોને ઇજા થતાં શ્રીનગર અને અનંતનાગની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ તમામ મૃતકો ગુજરાતના વલસાડ જિલ્લાના રહેવાસી હોઇ જિલ્લામાં ગમગીની ફેલાઇ ગઇ હતી. આજે સવારે તમામ મૃતદેહને શ્રીનગર એરપોર્ટથી એરફોર્સના વિશેષ વિમાન દ્વારા સુરત રવાના કરાય તે પહેલા જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી અને અન્ય અધિકારીઓ દ્વારા મૃતકોને એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બપોરે વિમાન સુરત એરપોર્ટ આવી પહોંચ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સુરત એરપોર્ટ ખાતે હાજર રહ્યા હતા.

બાકીના ૩ર યાત્રાળુઓ અને ૧૯ ઇજાગ્રસ્તોને પણ સુરત લવાયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સુરત એરપોર્ટ પર મૃતદેહને લવાયા બાદ દમણ એરપોર્ટ પર તેમને લઇ જવાયા હતા અને ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા તેમનાં પરિવારજનો સુધી મૃતદેહને પહોંચાડવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા હુમલામાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનોને રૂ. પાંચ લાખ અને ઘાયલોને રૂ. બે લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ઇજાગ્રસ્તોનાં નામ
પ્રવીણભાઇ પટેલ, હસીબહેન રતનલાલ, લાલીબહેન, પ્રકાશ જયંતીલાલ, રમેશ બદોલા, તીતાભાઇ, મૂકેશ વિઠ્ઠલભાઇ, મેરી રાજેશભાઇ પટેલ, હર્ષ દેસાઇ, ઉજલીતા ડોગરા, વિષ્ણુનાથ ડોગરા, ભારતીબહેન, બાગીબહેન સિંઘ, શીલાબહેન પટેલ, છાયા વસંતકુમાર, કામિની સુધીરભાઇ, પાનાભાઇ ગોપાલ અને રાજેશ પટેલ.

http://sambhaavnews.com/

You might also like