પશ્ચિમ ઝોનમાં સાત મુખ્ય રસ્તા રિસરફેસ કરાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં રૂ. ૯.૦૩ કરોડના ખર્ચે પશ્ચિમ ઝોનના ૬૦ ફૂટથી વધુ પહોળાઈ ધરાવતા કુલ સાત રસ્તાઓનું રિસરફેસિંગ કરવામાં આવશે. આ તમામ રોડ પર છેલ્લાં પાંચ વર્ષમાં ઝોન સ્તરે કે રોડ પ્રોજેક્ટ દ્વારા રિસરફેસિંગ કરાયું નથી તેવો તંત્રનો દાવો છે.
નારણપુરામાં શાસ્ત્રીનગર ત્રણ રસ્તાથી ટેલિફોન એક્સચેન્જ થઈ નર્મદા પ્લોટ ચાર રસ્તા સુધીનો ૨૫૦ મીટર લાંબો અને ૧૮.૨૫ મીટર પહોળો રસ્તો રિપેર કરાશે. શાસ્ત્રીનગરથી ટેલિફોન એક્સ. સુધીના ભાગમાં પેચ માર્યા હોઈ આ ભાગને બી.સી. લેવલનો કરાશે.

જ્યારે નકશી ગોળાઈ થઈ પ‌િલયડનગર થઈ નવરંગ સ્કૂલ સુધીનો ૭૦૦ મીટર લાંબા અને ૨૦ મીટર પહોળા રસ્તામાં હાલ પ‌િલયડનગર ચાર રસ્તા ખાતે ડ્રેનેજના બ્રેકડાઉનનું કામ અને પ‌િલયડનગરથી નવરંગ ચાર રસ્તા સુધી પાણીનું કામ પૂર્ણ થયા બાદ રિસરફેસિંગ હાથ ધરાશે. સાબરમતીમાં આસારામ આશ્રમથી મેથીબાનગર સુધીના ૭૦૦ મીટર લાંબા અને ૨૪ મીટર પહોળા રસ્તાની બંને બાજુના કાચા ભાગને પાકો કરીને બીસી લેવલનો તૈયાર કરાશે.

નારણપુરામાં અમીન ચોકઠાથી લખુડી સર્કલથી ગોલ્ડન ટ્રાયેંગલ સુધીના રસ્તા પર ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈનનું કામ કરાયું હોઈ તેને રિસરફેસ કરાશે, જ્યારે લખુડી સર્કલથી નવરંગ સર્કલ સુધીના રસ્તા પર પાણીની લાઈનનું કામ પૂર્ણ કરાયા બાદ રિસરફેસિંગ હાથ ધરાશે. ચિરાગ મોટર ચાર રસ્તાથી ગુજરાત કોલેજ સુધીના ભાગને લાંબા સમયથી પહોળો કરીને છોડી દેવાયો છે, જેના કારણે આ રોડનું પણ રિસરફેસિંગ કરવામાં આવશે.

જ્યારે ગુજરાત કોલેજ ત્રણ રસ્તાથી માદલપુર ગરનાળા થઈ ટાઉનહોલ સુધીના રોડ પર પેચવર્ક કરાયું હોઈ હવે તંત્ર રિસરફેસિંગ કરશે. જોકે નવા પશ્ચિમ ઝોનમાં ઈજનેર વિભાગ દ્વારા રસ્તાઓની પસંદગીની યાદી જ અપાઈ નથીજોકે સત્તાવાળાઓએ રૂ. ૮.૯૯ કરોડના ટેન્ડરને મંજૂરી પણ આપી દીધી છે!

You might also like