દિલ્હીમાં સીલિંગના વિરોધમાં આજે સાત લાખ વેપારી પાળશે બંધ

નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લાં કેટલાંક સમયથી વેપારીઓ દ્વારા થઈ રહેલા સીલિંગના વિરોધને હવે તમામ રાજકીય પાર્ટીના વેપાર સંગઠનોએ સમર્થન આપતાં આજે દિલ્હી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ દરમિયાન આજે ૧૦૦થી વધુ બજારમાં સાત લાખ જેટલા વેપારી દ્વારા બંધ પાળીને સીલિંગની શબયાત્રા કાઢવામાં આ‍વશે. જેમાં કાશ્મીરી ગેટ માર્કેટથી શરૂ કરી નિગમ બોધ ઘાટ શબયાત્રા જશે. અને ત્યાં સીલિંગની નનામીના અંતિમ સંસ્કાર કરવામા આવશે.

દરમિયાન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી(સીટીઆઈ)એ દાવો કર્યો છે કે અત્યાર સુધી ૧૨૦૦થી વધુ નાના મોટા વેપારી એસોસીએશને તેમનાં બજાર બંધ રાખવા જણાવી બંધના એલાનને ટેકો આપ્યો છે. આજે જે બજારો બંધ રહેશે તેમાં ચાંદની ચોક, સદર બજાર, ચાવડી બજાર, ખારી બાવલી, કેનોટ પ્લેસ, ગાંધીનગર, લક્ષ્મીનગર, અશોક વિહાર, રાજૌરી ગાર્ડન, લાજપતનગર, ગ્રેટર કૈલાસ સાઉથ એકસ, સરોજિની નગર, કમલા નગર, નવી બજાર, ભાગીરથી પ્લેસ, લાજપરરાય માર્કેટ, કાશ્મીરી ગેટ, પ્રીત વિહાર, શાહદરા, કૃષ્ણા નગર, જનકપુરી, તિલકનગર, મોડેલ ટાઉન સહિત દિલ્હીનાં તમામ નાનાં બજારનો સમાવેશ થાય છે.

સીટીઆઈના કન્વીનર વ્રજેશ ગોયલે જણાવ્યું કે છેલ્લાં ત્રણ માસમાં કુલ ૩,૮૬૭ દુકાન સીલ કરવામાં આવી છે. પરંતુ સીલિંગની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આ અંગે વેપારીઓએ કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી છે કે આ મુદે તાકિદે બિલ અથવા વટહુકમ બહાર પાડીને સીલિંગની કાર્યવાહીને અટકાવવામાં આવે. બીજી તરફ મુખ્યપ્રધાન કેજરીવાલે જણાવ્યુ છે કે જો ૩૧ માર્ચ સુધીમાં સીલિંગ અંગે ઉકેલ લાવવામાં નહિ આવે તો તેઓ ભૂખ હડતાળ પર ઊતરી જશે. જ્યારે વેપારીઓએ પણ આ બાબતે કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માગણી કરી છે. દરમિયાન આજે આ મુદે કેજરીવાલના ઘેર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં દિલ્હી ભાજપે સામેલ થવા ઈનકાર કર્યો છે.

વેપારીઓ દુઃખી છતાં તિવારી વિદેશ પ્રવાસેઃ સિસોદિયા
બીજી તરફ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ટિવટ કરી જણાવ્યું હતું કે એક તરફ શહેરના વેપારીઓ સીલિંગથી દુઃખી છે અને બીજી તરફ દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી વિદેશના પ્રવાસે ઉપડી ગયા છે. શહેર ભાજપના પ્રમુખ વેપારીઓની કમર તોડી વિદેશની સફર માણી રહ્યા છે.

પ્રવકતા સૌરભ ભારદ્વાજે આ મુદ્દે એક નિવેદનમાં જણાવ્યું કે એક તરફ આમ આદમી પાર્ટી રોડથી લઈને ગૃહ સુધી વેપારીઓના હક માટે લડાઈ લડી રહી છે ત્યારે ભાજપના નેતા દરેક પગલે દિલ્હીના વેપારીઓને છેતરી રહ્યા છે. મુખ્યપ્રધાને વિપક્ષી દળને સમાધાન માટે સાથે બેસી વાત કરવા બોલાવ્યા છે ત્યારે તિવારી વિદેશ ભાગી ગયા છે.

You might also like