સાત મહાપાપ દૂર કરનાર આમલકી એકાદશી

ઘર્મ ડેસ્કઃ ફાગણ સુદ અગિયારશનું નામ જ આમલકી એકાદશી છે. આ એકાદશી કરનારનું દરેક રીતે કલ્યાણ થાય છે. તેના જેવું ઉત્તમ વ્રત બીજું કોઈ જ નથી. જે કરવાથી સઘળાં વ્રત કર્યાંનું ફળ આપોઆપ જ પ્રાપ્ત થાય છે. તેનું સૌથી ઉત્તમ ફળ તો તે કરવાથી સાત મહાપાપ દૂર થાય છે. વળી મૃત્યુ પછી મોક્ષ થાય છે. હજાર ગૌદાન કર્યાનું ફળ પણ તેને પ્રાપ્ત થાય છે.
દશમના દિવસે બપોર પછી કાંઈ જમવું નહીં. અગિયારશના દિવસે પ્રાતઃકાળે વહેલાં ઊઠી પ્રાતઃ કર્મો પતાવી ભગવાનની સેવા પૂજા કરી લેવી. ભગવાન વિષ્ણુ સમક્ષ સંકલ્પ લેવો કે, ‘હે અચ્યુત, હે માધવ, હું મૃત્યુ પછી મોક્ષની ઈચ્છાથી આપની આ પ્રિય એકાદશી કરું છું. જેનું ફળ આપનાં ચરણોમાં અર્પણ કરું છું. જેના પ્રતાપે આપ મારાં સઘળાં પાપ દૂર કરી આ લોકમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપી મારા મૃત્યુ પછી મોક્ષ આપો.’ તે પછી એક વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. તે પછી એક તાંબાના લોટામાં ચોખ્ખું જળ લઈ તેમાં પીળું પુષ્પ પધરાવી તેમાં અક્ષત પધરાવી ચંદન ઉમેરવું. તે લઈ નજીકના પીપળે જઈ પીપળાને ફરતી ત્રણ, પાંચ કે સાત પ્રદક્ષિણા ૐ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર સાથે કરવી. શકય હોય તો ત્યાં પણ એક વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. તે પછી ઘરે આવી નિત્યકર્મ આટોપવાં.
આખો દિવસ કાંઈ જમવું નહીં. બપોરે બહુ ભૂખ લાગે તો થોડાં ફળ ખાવાં. ભગવાનને આ ફળ ખાસ ધરાવવાં. સાંજે ભગવાન આગળ શ્રી વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો. આખો દિવસ ૐ નમો ભગવતે વાસુદેવાયના જાપ જપવા. રાત્રે બહુ ભૂખ લાગે તો જ થોડું દૂધ પીવું. આ દિવસે છ પાપ ત્યજવાં. મધ્યરાત્રિ સુધી જાગરણ કરવું, તે પછી કંબલશયન કે ભૂમિશયન કરવું. બારશ કે તેરશ સુધી ઉપર મુજબ કરવું. બારશ કે તેરશના પ્રદોષ ટાણે ભૂદેવને સીધું આપી પારણાં કરવાં. આ થઈ અગિયારશ કરવાની સાચી રીત. મોક્ષ પ્રાપ્તિનો આથી સરળ બીજો કોઈ જ માર્ગ નથી.
કથા : પૂર્વે વૈદિશ નામના નગરમાં ચારેય વર્ણના લોકો સુખથી રહેતા હતા. તેમાં કોઈ પાપી હતો નહીં. તેમાં ચૈત્રરથ નામનો એક રાજા હતો. તે ખૂબ પવિત્ર તથા નીતિથી ચાલનારો હતો. તેના રાજ્યમાં કદી દુકાળ પડતો નહીં. રાજા તથા પ્રજા વિષ્ણુ ભકત હતા. આ રાજાની વિષ્ણુ ભક્તિથી પ્રજા પણ બંને એકાદશી કરતી. તે દિવસે કોઈ કામ કરતું નહીં બને તેટલી વિષ્ણુ ભક્તિ કરતા. આમે આમ કેટલાંય વર્ષ નીકળી ગયાં. એક વખત ફાગણ સુદ અગિયારશ કે જે આમલકી એકાદશી તરીકે ઓળખાય છે તે આવી. રાજા પ્રજાએ નદી કિનારે જઈ સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા કરી. એક ઘડા ઉપર ભગવાન પરશુરામની સ્થાપના કરી. તેમની પૂજા પણ કરી. આમળાના ઝાડની પૂજા કરી. પરશુરામના માતા રેણુકાની પણ પૂજા કરી. ત્યાં એક પારધી ઘણાં પશુ-પક્ષીને મારીને આવ્યો હતો. તેણે આ બધું જોયું. તે થાકેલો હતો. છતાં રાજા પ્રજાનું જોઈ ત્યાં હાથ જોડીને બેઠો. મધ્યરાત્રિ સુધી બધાએ જાગરણ કર્યું.
તે પછી બીજા દિવસે બધા ઘરે ગયા. પારધી પણ ઘરે ગયો.
ઘણા વર્ષે પારધી મૃત્યુ પામ્યો. તેણે એકાદશીના વ્રતની પૂજા જોઈ હતી તેથી તે બીજા જન્મે વિદૂરથ રાજાને ત્યાં જન્મ્યો. તેનું નામ વસુરથ હતું. તે ઘણો સમૃદ્ધ હતો. તેનું રાજ્ય ઘણું મોટું હતું. તે ઘણાં દાન પુણ્ય કરતો. તેની ન્યાય પ્રક્રિયાથી તેના ઘણાં શત્રુ હતા.
એક વખત તે વનમાં શિકાર માટે ગયો. ત્યાં ભૂખ લાગવાથી, રસ્તો ભૂલવાથી થાકીને તે એક ઝાડ નીચે સૂતો. એટલામાં ત્યાં તેના દુશ્મનો આવી ચડયા. તેમણે રાજાને સૂતેલો જોયો. તેથી તે બધા તેને મારવા ગયા. તે જ વખતે રાજાના શરીરમાંથી એક દિવ્ય સ્ત્રી નીકળી. તેણે રાજાના બધા દુશ્મનોને મારી નાખ્યા.
રાજા જાગ્યો ત્યારે ત્યાં તેના બધા દુશ્મનો મરેલા જોયા. તે વિચારતો હતો. તે વખતે ત્યાં આકાશવાણી થઈ. તેમાં તેણે સાંભળ્યું કે ભગવાન નારાયણથી મોટું બીજું કોઈ જ નથી. તેથી તે ખુશ થઈ નગરમાં આવ્યો. જીવ્યો ત્યાં સુધી બધી અગિયારશ કરી. અંતે વિષ્ણુલોકમાં ગયો.
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like