મોબાઈલ, પેટ્રોલ પર સેસ લગાવી શકાય

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત અંતર્ગત વધારાનું નાણાકીય ભંડોળ ઊભું કરવા આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ, ટેલિકોમ સર્વિસિસ ઉપર ટેક્સનું ભારણ નાખી શકે છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સરકાર ૧૫ નવેમ્બરથી સર્વિસટેક્સ પર ૦.૫ ટકા સ્વચ્છ ભારત સેસ નાખી ચૂકી છે.

સરકાર વધારાનું નાણાકીય ભંડોળ ઊભું કરવા પેટ્રોલ, ડીઝલ અને ટેલિકોમ સર્વિસ ઉપર ૦.૫ ટકા સેસ તથા મિનરલ જનરેશન પ્લાન્ટથી નીકળતા કચરા ઉપર એક ટકો સેસ તથા સર્વિસટેક્સમાં ૦.૫ ટકા વધારો કરવાનો પ્રસ્તાવ છે. નોંધનીય છે કે સ્વચ્છ ભારત અભિયાન કેન્દ્ર સરકારે ૨ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ લોન્ચ કર્યું હતું અને ઓક્ટોબર ૨૦૧૯ સુધી આ અભિયાન અંતર્ગત સરકાર ૨.૨૩ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું સરકારનું આયોજન છે.

સરકાર ટેક્સ ફ્રી સ્વચ્છ ભારત બોન્ડ લાવવાની પણ યોજના ઉપર ગંભીરતાથી વિચારી રહી છે. નાણાં ખાતાંની જો આ સંબંધે મંજૂરી મળે તો આગામી બજેટમાં તે અંગેની જાહેરાત પણ થઇ શકે છે. સરકારના આ અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ૧.૩૪ લાખ કરોડ તથા શહેરી વિસ્તારોમાં ૬૨,૦૧૦ કરોડ ખર્ચ કરશે. ટોઈલેટ બનાવવા તથા સફાઇ માટે આ નાણાંનો ખર્ચ કરવામાં આવશે.

You might also like