સર્વિસ ચાર્જ મુદ્દે કેન્દ્ર સરકાર અને રેસ્ટોરાં અામને સામને

નવી દિલ્હી: કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા સોમવારે સર્વિસ ચાર્જ પર અપાયેલા સ્પષ્ટીકરણ પ્રત્યે હોટલ અને રેસ્ટોરાં માલિકોનું અડિયલ વલણ સામે અાવી રહ્યું છે. હોટલ અને રેસ્ટોરાં ચલાવનારા લોકોઅે સર્વિસ ચાર્જને કાયદેસર ગણાવ્યો અને કહ્યું કે તે કોઈ અયોગ્ય વ્યવહાર નથી.

ફેડરેશન અોફ પોટલ અેન્ડ રેસ્ટોરાં અેસોસિયેશન અોફ ઇન્ડિયાઅે ગ્રાહક બાબતોના મંત્રાલયને કહ્યું કે તેઅો અા અંગે સોમવારે જારી કરેલી પ્રેસ નોટ પરત ખેંચે. ફેડરેશનના મહાસચિવ અમિતાભ દેવેન્દ્રઅે અા અંગે મંત્રાલયને પત્ર લખ્યો છે.

અા પહેલાં નેશનલ રેસ્ટોરાં અેસોસિયેશન અોફ ઇન્ડિયા પણ પોતાની પ્રતિક્રિયા અાપી ચૂક્યું છે. અેસોસિયેશનનું કહેવું છે કે જો ગ્રાહકોઅે સર્વિસ ચાર્જ ન ચૂકવવો હોય તો હોટલમાં જમવાનું બંધ કરે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રલાયે સોમવારે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ કંપની, હોટલ કે રેસ્ટોરાં ગ્રાહકો પાસેથી જબરજસ્તી સર્વિસ ચાર્જ ન વસૂલી શકે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીઅે તમામ રાજ્ય સરકારોને જણાવ્યું છે કે તેઅો હોટલ, કંપની અને રેસ્ટોરાંને અા બાબતે સચેત કરે.

http://sambhaavnews.com/

You might also like