ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કરતો વીડિયો વાઈરલ કરી યુવાન ફરી ગયો

અમદાવાદ: દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને સુરતના બિલ્ડર દ્વારા રૂ.૧૦ લાખની સોપારી આપવામાં આવી હોવાનું અને તેમના બે માણસ દ્વારા ચપ્પુ બતાવી કોરા કાગળ પર સહી લઇ લેવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જોકે ધારાસભ્ય દ્વારા સોપારી લઇ ધમકી અપાયાની ચર્ચાએ શહેરમાં જોર પકડતાં યુવાન અમદાવાદ આવ્યો હતો અને શાહપુર પોલીસ સમક્ષ કોઇ વ્યકિતએ વીડિયો મોર્ફ કરી વાઇરલ કર્યો હોવાનું જણાવ્યું હતું.

સુરતના મોઇનખાન નામની વ્યકિતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં આક્ષેપ કરાયો હતો કે સુરતના બિલ્ડર જાવેદ લિયાકતઅલી કાજી દ્વારા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને રૂ.૧૦ લાખની સોપારી આપી છે કે મોઇનખાનને મારી નાખો. તેમના બે માણસો દ્વારા લકી રેસ્ટોરાં પાસે વાડીવાલા કમ્પાઉન્ડ ખાતે બોલાવી સુરતના અન્ય ચાર શખસ ગાડી લઇને આવ્યા હતા. મોઇનખાન અને તેના પુત્રને બાંધી ચપ્પુ બતાવી કોરા કાગળ પર સહી લઇ લીધી હતી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વીડિયો વાઇરલ થતાં મોઇનખાન નામની વ્યકિત અમદાવાદ દોડી આવી હતી અને શાહપુર પોલીસને જણાવ્યું હતું કે કોઇ વ્યકિતએ આ વીડિયો મોર્ફ કરી વાઇરલ કર્યો છે. મોઇનખાને જણાવ્યુું હતું કે આ વીડિયો મામલે આજે પોલીસ સમક્ષ હાજર થઇને વીડિયોની તપાસ કરાવવા રજૂઆત કરશે.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સમભાવ મેટ્રો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચૂંટણી નજીક છે ત્યારે આ રાજકીય કાવતરું છે. જે વ્યકિતના નામનો વીડિયો છે તે પોલીસ સમક્ષ હાજર થઇને કોઇ વ્યકિતએ મોર્ફ વીડિયો કર્યો છે અને તેને કોઇ લેવા દેવા ન હોવાનું જણાવ્યું છે. હું પણ આ બાબતે પોલીસ તપાસ કરાવડાવીશ.

You might also like