ટેરર ફન્ડિંગઃ શબ્બીર શાહ બાદ મોટાં માથાંઓ NIAનાં નિશાન પર

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા ગિલાની અને તેના જમાઇ અલતાફ સહિત સાત આતંકીઓની ધરપકડના ર૪ કલાકની અંદર હવે ટેરર ફન્ડિંગ મામલામાં ટોચના અલગતાવાદી નેતા તેમજ જમ્મુ-કાશ્મીર ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટીના ચેરમેન શબ્બીર અહેમદ શાહની ધરપકડ કરવામાં આવી છે.

વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ અલગતાવાદી નેતાઓની ધરપકડ બાદ કાશ્મીર ખીણમાં હિંસા ઓછી થઇ રહી છે અને બીજી બાજુ એનઆઇએની કાર્યવાહી અહીં અટકવાની નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનઆઇએની નજર હવે મોટા આતંકી નેતાઓને સકંજામાં લેવા પર છે. એનઆઇએ દ્વારા કાશ્મીર ખીણમાં સક્રિય ૭૦ જેટલા કુખ્યાત પથ્થરબાજોને પણ ઓળખી કઢાયા છે અને તેમની ધરપકડ કરવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પોલીસની એક ટીમ ગઇ કાલે મોડી રાત્રે શબ્બીર અહેમદ શાહના ઘરે પહોંચી હતી. કેટલાય દિવસથી નજરકેદ શબ્બીર શાહને પોલીસ પૂછપરછ માટે નજીકના પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી. શબ્બીર શાહ સામે એનઆઇએ અને એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી) બંને દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. એનઆઇએ ટેરર ફન્ડિંગના મામલામાં અને ઇડી મની લોન્ડરિંગ કેસમાં શબ્બીર શાહ સામે કાર્યવાહી કરશે.

વાસ્તવમાં શબ્બીર શાહ વિરુદ્ધ આ મહિને બિનજામીન વોરંટ ઇશ્ય્ૂ કરવામાં આવ્યું હતું. આ વોરંટ મની લોન્ડરિંગ કેસમાં ઇશ્ય્ૂ કરાયું છે. ઇડીએ બે વર્ષમાં શબ્બીર શાહ સામે આઠ સમન્સ જારી કર્યા હતા, પરંતુ તે હાજર નહીં થતાં આ વખતે બિનજામીન વોરંટ પતિયાલા હાઉસ કોર્ટ દ્વારા ઇશ્ય્ કરાયુું છે.

ઓગસ્ટ ર૦૧પમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અસલમ વાની નામના એક શખ્સની ધરપકડ કરી હતી, જે હવાલા સાથે કનેકશન ધરાવતો હતો. અસલમે શબ્બીર શાહને જુદા જુદા સમયે કુલ રૂ.ર.રપ કરોડ આપ્યા હતા અને ત્યાર બાદ ઇડીએ શબ્બીર વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. અસલમ ૬૩ લાખની રોકડ સાથે ઝડપાયો હતો. પૂછપરછમાં તેણે ૬૩માંથી રૂ.પ૦ લાખ શબ્બીરને આપવાની વાત કબૂલી હતી.

સૂત્રો અનુસાર તમામ સુરક્ષા એજન્સીઓ ભારત-પાકિસ્તાનના રસ્તે થઇને હવાલા દ્વારા થતા કાળા કારોબાર પર નજર રાખી રહી છે અને આ હવાલા સોદા આતંકી સંગઠનો દ્વારા થઇ રહ્યા છે. જેમાં કેટલાય અલગતાવાદી નેતાઓની સંડોવણી બહાર આવી છે. હુર્રિયતના સાત નેતાઓને ગઇ કાલે પતિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સુનાવણી બાદ કોર્ટે તમામ આરોપીઓને એનઆઇએના દસ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. હવે આ કેસની સુનાવણી આગામી ૪ ઓગસ્ટે યોજાશે.
http://sambhaavnews.com/

You might also like