વર્ષમાં સેન્સેક્સ ૨૫ ટકા ઊછળ્યોઃ રિયલ્ટી ઈન્ડેક્સ મજબૂત

અમદાવાદ: કેલેન્ડર વર્ષ ૨૦૧૭ પૂરું થવાને હવે માત્ર બે સપ્તાહની વાર છે. ચાલુ વર્ષે શેરબજારને સીધી અસર કરે તેવી જીએસટીની અમલવારી જુલાઇ મહિનામાં થઇ હતી, એટલું જ નહીં નોટબંધી બાદ કોર્પોરેટ કંપનીનાં પરિણામો પર પણ તેની અસર જોવા મળી હતી. તેમ છતાં કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં સેન્સેક્સમાં ૨૫ ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે, જ્યારે તેની સરખામણીમાં મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં વધુ સુધારો નોંધાતો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે એક વર્ષમાં મિડકેપ સેક્ટર ઇન્ડેક્સમાં ૪૧ ટકા, સ્મોલકેપ સેક્ટર ઇન્ડેક્સમાં ૫૧ ટકાનો ઉછાળો નોંધાતો જોવાયો છે, જ્યારે રિયલ્ટી સેક્ટર કેલેન્ડર વર્ષ ૨૦૧૭ માટે ધમાકેદાર રહ્યું છે. એક વર્ષમાં રિયલ્ટી સેક્ટર ઇન્ડેક્સમાં ૮૯ ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે, જ્યારે હેલ્થકેર ઇન્ડેક્સ નકારાત્મક જોવા મળ્યો છે. વર્ષ દરમિયાન હેલ્થકેર ઇન્ડેક્સમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચાલુ કેલેન્ડર વર્ષમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા મોટા પ્રમાણમાં રોકાણ કરાતાં તેની અસર બજાર પર જોવા મળી છે. સરકારની રિયલ્ટી સેક્ટર સહિત બેન્ક અને ટેક્સ સિસ્ટમમાં કરવામાં આવેલા સુધારાના પગલે બજારમાં આગેકૂચ જોવા મળી હતી. વર્ષ દરમિયાન બેન્ક ઇન્ડેક્સમાં ૩૮ ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે ઓટો ઇન્ડેક્સમાં ૨૬ ટકા, મેટલ ઇન્ડેક્સમાં ૩૭ ટકા, જ્યારે ટેલિકોમ ઇન્ડેક્સમાં ૪૦.૪૪ ટકાનો ઉછાળો નોંધાયો છે.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે બજારને અસર કરે તેવા નકારાત્મક પરિબળોના અભાવ વચ્ચે તથા સરકારની સકારાત્મક નીતિઓ વચ્ચે ઇક્વિટી બજારમાં તેની અસર જોવા મળી હતી, જેના પગલે સેન્સેક્સમાં ૨૫ ટકાનો ઉછાળો નોંધાયો છે.

બજારના જાણકારોના કહેવા પ્રમાણે જે રીતે વિદેશી રોકાણકારોનું રોકાણ વધી રહ્યું છે તથા રૂપિયો મજબૂત થઇ રહ્યો છે તેને જોતાં આગામી દિવસોમાં સેન્સેક્સમાં મજબૂત સુધારાની ચાલ નોંધાઇ શકે તેવો મત બજારના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયો છે.

સિંગાપોર એક્સચેન્જમાં ભારતીય શેરનો વાયદા કારોબાર શરૂ થવાની શક્યતા
સિંગાપોર સ્ટોક એક્સચેન્જના પ્લેટફોર્મ પરથી ભારતીય શેર માટે વાયદા કારોબાર ખૂબ જ ઝડપથી શરૂ થવા જઇ રહ્યો છે, જેના પગલે સ્થાનિક ડેરીવેટિવ્સ બજારને ઝટકો મળી શકે છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે એક્સચેન્જ પર કારોબાર શરૂ થવાથી ભારતી એક્સચેન્જમાં વાયદા કારોબારમાં ઘટાડો થઇ શકે છે.

વિવિધ સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં જોવા મળેલ વધ-ઘટ
સેન્સેક્સ ૨૫.૬૭
સ્મોલકેપ ઇન્ડેક્સ ૫૦.૮૩
મિડકેપ ઇન્ડેક્સ ૪૧.૦૮
રિયલ્ટી ઇન્ડેક્સ ૮૮.૭૫
બીએસઇ-૫૦૦ ૩૨.૧૬
ઓટો ઇન્ડેક્સ ૨૬.૧૨
બેન્ક્સ ઇન્ડેક્સ ૩૮.૫૧
કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૪.૧૩
ફાઈનાન્સ ઇન્ડેક્સ ૪૧.૯૬
હેલ્થકેર ઇન્ડેક્સ – ૪.૬૯
મેટલ ઇન્ડેક્સ ૩૭.૧૮
લાર્જકેપ ઇન્ડેક્સ ૨૭.૨૩
ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ ૩૪.૦૫
પાવર ઇન્ડેક્સ ૧૪.૦૯
ટેલિકોમ ઇન્ડેક્સ ૪૦.૪૪
(વધ-ઘટ ટકાવારીમાં)

You might also like