ઓટો-બેન્ક શેરની આગેવાનીએ સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ અપ

અમદાવાદઃ આજે શેરબજાર સુધારે ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૦૧ પોઇન્ટના સુધારે ૨૯,૦૩૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૬ પોઇન્ટના સુધારે ૮,૯૫૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ખાસ કરીને ઓટોમોબાઇલ કંપનીના શેરમાં નીચા મથાળે જોરદાર લેવાલી આવતાં શેરબજારમાં આગેકૂચ જોવા મળી હતી. દરમિયાન બેન્ક નિફ્ટીમાં પણ ૧૯૨ પોઇન્ટનો સુધારો નોંધાઇ ૨૦,૬૮૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આજે રિલાયન્સ કંપનીનો શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીએ
રૂ. ૧,૩૦૬ની સપાટીએ જોવાયો હતો.

આજે શરૂઆતે કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં ૧.૨૩ ટકાનો ઉછાળો નોંધાયો છે. બજાજ ઓટો અને એક્સિસ બેન્કના શેરમાં પણ એક ટકાનો સુધારો નોંધાયો છે તો બીજી બાજુ આઇટી અને ટેક્નોલોજી કંપનીના શેર પ્રેશરમાં જોવાયા છે. આજે શરૂઆતે ટીસીએસ, ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૦.૯૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. એ જ પ્રમાણે સન ફાર્મા કંપનીના શેરમાં ૦.૭૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. આજે શરૂઆતે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ નીચા મથાળે લેવાલી જોવાઇ હતી. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં સકારાત્મક ચાલ અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની લેવાલીના પગલે શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. એ જ પ્રમાણે સ્થાનિક રોકાણકારો દ્વારા પણ નીચા મથાળે બેન્ક સહિત ઓટો કંપનીના શેરમાં રોકાણની અસરથી બજારમાં આગેકૂચ જારી રહી હતી.

http://sambhaavnews.com/

You might also like