શેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ

મુંબઇઃ સોમવારે શેરબજારમાં ભારે ઘટાડા બાદ આજે રિકવરી જોવા મળી છે. આજે સેન્સેક્સ ૨૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮,૮૧૫ અને નિફ્ટી ૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧,૬૫૧ પર ખૂલી હતી. જો કે આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૧૦૩ પોઇન્ટનાં ઉછાળા સાથે ૩૮,૭૦૩ પર અને નિફ્ટી ૧૭ પોઇન્ટનાં ઉછાળા સાથે ૧૧,૬૧૫ પર ટ્રેડ કરી રહી છે.

આજે સૌથી વધુ તેજી મેટલ, બેન્ક, ઓટો અને એફએમસીજી શેરમાં જોવા મળી છે. વીઇડીએલના શેરમાં ૧.૬૮ ટકાનો સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. યસ બેન્ક, ટીસીએસ અને ભારતી એરટેલનો પણ ટોપ ગેનર્સમાં સમાવેશ થાય છે, જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, ઓએનજીસી અને રિલાયન્સનો ટોપ લુઝર્સમાં સમાવેશ થાય છે.

આજે શરૂઆતનાં ટ્રેડિંગમાં બ્રિટાનિયા, એસબીઆઇ, વેદાંતા, એચસીએલ ટેક, એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ વગેરે શેરમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે બીપીસીએલ, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, સિપ્લા, એનટીપીસીનાં શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક શેરમાં ખરીદીને લઇને બેન્ક નિફ્ટીમાં તેજી જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૫૫ ટકા મજબૂતી સાથે ૨૯,૭૭૯ પર ટ્રેડ કરી રહી છે.

આજનાં ટ્રેડિંગમાં મીડિયા શેરને બાદ કરતાં ચોમેરથી લેવાલી દેખાઇ રહી છે. મીડિયા ઇન્ડેક્સમાં ૦.૫૨ ટકાનો ઘટાડો જોવાં મળ્યો છે. સ્મોલકેપ ઇન્ડેક્સ અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ આજે તેજી જોવા મળી હતી. ડોલરની સામે રૂપિયો ત્રણ પૈસાના ઉછાળા સાથે ૬૯.૩૭ની સપાટીએ ખૂલ્યો હતો, જોકે ગઇ કાલે રૂપિયો ૧૮ પૈસા તૂટીને ૬૯.૪૦ની સપાટીએ બંધ થયો હતો.

You might also like