છેલ્લાં આઠ વર્ષમાં સેન્સેક્સમાં ચાલુ વર્ષે સૌથી વધુ ઉછાળો, એન્ટરટેઈન્મેન્ટ શેર્સમાં જોરદાર તેજી

અમદાવાદ, સોમવાર
સેન્સેક્સ હવે ૩૪,૦૦૦ની સપાટી ક્રોસ થવાને માંડ ૬૦ પોઇન્ટ છેટે છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સમાં ૭,૩૦૦ પોઇન્ટ કરતા પણ વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે, જે પાછલા આઠ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા આઠ કેલેન્ડર વર્ષમાં બે વર્ષમાં શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે છ કેલેન્ડર વર્ષમાં શેરબજારમાં સુધારો નોંધાયો હતો. સરકારની આર્થિક સુધારાની નીતિ તથા વિદેશી રોકાણકારોના ઊંચા રોકાણના પગલે શેરબજારમાં સુધારો નોંધાયો હતો.

કેલેન્ડર વર્ષ દરમિયાન સેન્સેક્સની વધ-ઘટ
પોઈન્ટની વધ-ઘટ
૨૦૦૭           + ૬,૫૦૦
૨૦૦૮           – ૧૦,૬૩૯
૨૦૦૯           + ૭,૮૧૭
૨૦૧૦           + ૩,૦૪૫
૨૦૧૧            – ૫,૦૫૫
૨૦૧૨           + ૩,૯૭૨
૨૦૧૩           + ૧,૭૪૪
૨૦૧૪           + ૬,૩૨૯
૨૦૧૫           – ૧,૩૮૨
૨૦૧૬           + ૫૦૯
૨૦૧૭          + ૭,૩૧૪

એન્ટરટેઈન્મેન્ટ કંપનીના શેરના રોકાણકારો આનંદો

શેરબજારમાં કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં ૨૫ ટકાથી પણ વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે, જોકે એન્ટરટેઇન્મેન્ટ કંપનીના શેરમાં એક વર્ષમાં શેરબજારમાં જોવા મળેલા સુધારા કરતા પણ વધુનો સુધારો જોવા મળ્યો છે. નોંધનીય છે કે એન્ટરટેઇન્મેન્ટ કંપનીના શેરમાં છેલ્લા કેટલાય સમયથી તેજીની ચાલ જોવા મળી છે. અગ્રણી એન્ટરટેઇન્મેન્ટ કંપની જેવી કે પીવીઆર, યુએફઓ મૂવીઝ, શેમારુ એન્ટરટેઇન્મેન્ટ અને ઇરોઝ ઇન્ટરનેશનલના શેરમાં ૨૨થી ૩૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દેશમાં એન્ટરટેઇન્મેન્ટ સેક્ટરના સેગ્મેન્ટના કારોબારમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો છે અને તેના કારણે એન્ટરટેઇન્મેન્ટ કંપનીઓ પાછલા કેટલાય સમયથી મજબૂત બની છે. આ કંપનીઓની બેલેન્સશીટમાં પણ સુધારો જોવા મળ્યો છે તથા નીચા મથાળે રોકાણકારોની ખરીદીના પગલે એન્ટરટેઇન્મેન્ટ કંપનીના શેરમાં ઉછાળો જોવાયો છે, જે આગામી દિવસોમાં પણ જોવા મળશે તેવો મત વ્યક્ત કરાયો છે.

એન્ટરટેઈન્મેન્ટ કંપનીના શેર એક વર્ષમાં ઊછળ્યા
પીવીઆર                         ૩૮.૦૦ ટકા
યુએફઓ મૂવીઝ               ૩૧.૦૦ ટકા
ઈરોઝ ઇન્ટ.                     ૨૪.૦૦ ટકા
શેમારુ એન્ટર.                  ૨૨.૦૨ ટકા
મુક્તા આર્ટ                       ૨૭.૬૩ ટકા
બાલાજી ટેલિ ફિલ્મ          ૮૮.૨૧ ટકા
સિનેલાઈન ઇન્ડિયા         ૨૮.૬૨ ટકા
બેગ ફિલ્મ એન્ડ મીડિયા  ૮૮.૪ ટકા

You might also like