રેટિંગ સુધારાની સકારાત્મક ઈફેક્ટ, સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ અપ

અમદાવાદ: વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીસે ૧૩ વર્ષ બાદ ભારતના રેટિંગમાં સુધારો કર્યો છે, જેની સકારાત્મક ઇફેક્ટ શેરબજાર પર નોંધાતી જોવા મળી છે. આજે શરૂઆતે સેન્સેક્સ ૪૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ૩૩,૫૦૦ની સપાટી ક્રોસ કરી ૩૩,૫૧૧ની સપાટીએ જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૨૩ પોઇન્ટના સુધારે ૧૦,૩૩૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ ઉછાળો નોંધાયો હતો.

બેન્ક, ઓટોમોબાઇલ, એફએમસીજી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરના શેરમાં જોરદાર લેવાલી જોવા મળી હતી.

આજે શરૂઆતે આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ, ટાટા સ્ટીલ, યસ બેન્ક, હિંદાલ્કો, રિલાયન્સ અને એક્સિસ બેન્કના શેરમાં ૧.૫ ટકાથી ૩.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે શ્રીરામ ટ્રાન્સપોર્ટ, આઇડીબીઆઇ બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા, અવંતી ફૂડ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ કંપનીના શેરમાં પાંચથી સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

આઈટી શેર પ્રેશરમાં
ડોલર સામે રૂપિયાની જોવા મળી રહેલી મજબૂત ચાલના પગલે આજે શરૂઆતે આઇટી કંપનીના શેર પ્રેશરમાં જોવા મળ્યા હતા. ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૧.૪૦ ટકા, વિપ્રો કંપનીના શેરમાં ૦.૫૨ ટકા, જ્યારે ટીસીએસ કંપનીના શેરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

બેન્ક નિફ્ટી ૪૬૪ પોઈન્ટ ઊછળી
મૂડીસે રેટિંગમાં સુધારો કરતા બેન્ક નિફ્ટી ૪૬૪ પોઇન્ટ ઊછળી ૨૫,૯૧૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ગઇ કાલે છેલ્લે બેન્ક નિફ્ટી ૨૫,૪૬૪ની સપાટીએ બંધ જોવા મળી હતી. રેટિંગમાં સુધારા થવાની અસરથી બેન્ક નિફ્ટીમાં સુધારો જોવાયો હતો.

You might also like