શેરબજારમાં ફરી બહારઃ સેન્સેક્સ ૬૯૦ પોઈન્ટનાં ઉછાળા સાથે ટ્રેડિંગમાં

ગુરુવારે શેરબજારમાં કત્લેઆમ બાદ આજે શેરબજારમાં મોટી રાહત મળી હોવાની દેખાય છે. દલાલ સ્ટ્રીટમાં વર્તમાન સપ્તાહનાં આખરી સેશનની શરૂઆત આજે તેજી સાથે થઇ હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૬૯૦ પોઇન્ટના ઉછાળા સાથે ૩૪,૬૯૩ અને નિફ્ટી ૨૦૮ પોઇન્ટનાં ઉછાળાં સાથે ૧૦,૪૪૨ની આસપાસ ટ્રેડ કરી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને બે ટકા સુધી વધ્યા છે. આમ, સેન્સેક્સમાં ૬૫૦ પોઇન્ટ જેટલી મજબૂતી જોવાઇ છે.

સેન્સેક્સના ૩૧માંથી ૨૯ શેર મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે નિફ્ટીના ૫૦માંથી ૪૮ શેરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જોકે આજે સેન્સેક્સ પર બે શેર તૂટ્યા છે, જેમાં ટીસીએસમાં બે ટકા જેટલો ઘટાડો અને ઇન્ફોસિસમાં ૦.૫૯ ટકા જેટલી ઘટાડો જોવા મળી રહ્યો છે. એચસીએલ ટેક્નોલોજીના શેરમાં પણ ૧.૦૯ ટકાનો ઘટાડો થયો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ લેવાલી જોવા મળી રહી છે.

બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ બે ટકા વધ્યો છે અને નિફ્ટીનાં મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સમાં બે ટકાનો વધારો નોંધાયો છે. સ્મોલકેપ ઇન્ડેક્સ પણ ૧.૫ ટકા મજબૂત થયો છે. ઓટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, બેન્કિંગ, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, કેપિટલ ગુડ્સ વગેરે શેરમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી પણ ૧.૫ ટકાથી વધીને ૨૫,૨૦૦ પર પહોંચી ગઇ છે.

રૂપિયો ૨૯ પૈસા મજબૂત ખૂલ્યોઃ
આજે રૂપિયામાં પણ રિકવરી જોવા મળી છે. ડોલરની સામે ૨૯ પૈસા મજબૂત થઇને રૂપિયો ૭૩.૮૩ પર ખૂલ્યો હતો. ગુરુવારે રૂપિયો ૭૪.૧૨ની સપાટીએ બંધ થયો હતો. ગુરુવારે રૂપિયામાં વિક્રમી ઘટાડો જોવા મળ્યો હતો, જોકે આજે મજબૂતી સાથે ખૂલ્યા બાદ થોડી વારમાં રૂપિયો ૦.૩૮ પૈસા ઘટીને ૭૩.૭૪ પર ટ્રેડ કરી રહ્યો છે.

You might also like