સેન્સેક્સ ૩૫,૦૦૦ની સપાટીને પાર પહોંચ્યો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો સુધારો નોંધાતાં સેન્સેક્સે સપ્તાહની શરૂઆતે જ ૩૫,૦૦૦ની સપાટીને ક્રોસ કરી દીધી હતી. નિફ્ટીએ પણ ૧૦,૬૫૦ની સપાટી વટાવી દીધી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૧૪ પોઇન્ટને સુધારે ૩૫,૧૩૯, જ્યારે એનએસઇ નિફ્ટી ૭૧ પોઇન્ટને સુધારે ૧૦,૬૭૬ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઝડપથી સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાતાં સરકારી ઓઇલ કંપનીઓ સહિત રિલાયન્સ, કેસ્ટ્રોલ કંપનીના શેરમાં પણ પાંચ ટકા સુધીનો શરૂઆતે સુધારો નોંધાયો હતો.
દરમિયાન આજે શરૂઆતે સન ફાર્મા, યસ બેન્ક, ટાટા સ્ટીલ કંપનીના શેરમાં એકથી ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે રૂપિયાની મજબૂત સુધારાની ચાલને પગલે આઇટી કંપનીના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. આજે શરૂઆતે ટીસીએસ, વિપ્રો કંપનીના શેરમાં ૦.૩૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ટાટા મોટર્સ કંપનીનાે શેર પણ પ્રેશરમાં ખૂલ્યો હતો.

બીજી બાજુ બેન્ક નિફ્ટીમાં આજે ૧૯૪ પોઇન્ટનો શરૂઆતે સુધારો નોંધાતા ૨૬,૪૬૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક, ઓઈલ એન્ડ ગેસ, ઓટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી.

ઓઈલ એન્ડ ગેસ કંપનીના શેરમાં સુધારો

રિલાયન્સ – ૦.૩૫%
બીપીસીએલ – ૫.૩૮%
એચપીસીએલ – ૫.૫૯%
આઈઓસી – ૫.૮૪%
ઓએનજીસી – ૧.૬૮%
ઓઈલ ઈન્ડિયા – ૧.૬૯%
કેસ્ટ્રોલ – ૧.૬૮%

You might also like