ફેડ ઈફેક્ટથી શેરબજાર અપઃ સોનામાં ડાઉન ટ્રેન્ડ

અમદાવાદ: અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય શેરબજારોમાં આવેલા ઉછાળાના પગલે આજે સ્થાનિક શેરબજાર પણ ઊંચા ગેપથી ખૂલ્યું હતું. આજે શરૂઆતે બીએસઈ સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના ઉછાળે ૨૫,૬૪૫ પોઈન્ટ જ્યારે એનએસઈ નિફ્ટી ૪૫ પોઈન્ટના સુધારે ૭૭૯૬ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઈ હતી. આજે શરૂઆતે બેન્ક, ફાર્માસ્યુટિકલ સેકટરની આગેવાનીએ શેરબજારમાં સુધારો નોંધાયો હતો. ગેઈલ, એસબીઆઈ, એનટીપીસી, સન ફાર્મા અને વેદાન્તા કંપનીના શેર્સમાં એકથી બે ટકાનો ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ ઓએનજીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોલ ઈન્ડિયા, એચડીએફસી અને હિન્દુસ્તાન યુનિલિવર કંપનીના શેર્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

સોનામાં ૨૦૦નો ઘટાડો
ફેડરલ રિઝર્વ દ્વારા ૦.૨૫ ટકાનો વ્યાજદરમાં વધારો કરાતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ૧૧ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. જેની અસરે આંતરરાષ્ટ્રીય  બજારમાં સોનું ૧૦૬૬ ડોલર પ્રતિ ઓંશની સપાટીએ ટ્રેડિંગમાં  જોવાયું હતું. સ્થાનિક બજારમાં પણ સોનામાં રૂ.૨૦૦નો ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતે ૧૦ ગ્રામ શુદ્ધ સોનું ૨૫,૪૫૦ની સપાટીએ
ખૂલ્યું હતું.

રૂપિયો ૧૧ પૈસા મજબૂત ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ૧૧ પૈસા મજબૂત ૬૬.૬૨ની સપાટીએ ખૂલ્યો હતો. ગઈ કાલે રૂપિયો ૬૬.૭૩ની સપાટીએ બંધ થયો હતો. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસ ફેડરલ િરઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરાયા બાદ પાછલા કેટલાય સમયથી જોવા મળી રહેલી અનિશ્ચિતતાનો અંત આવતાં ડોલર સામે રૂપિયો મજબૂત ખૂલ્યો છે.
અાજે શરૂઆતે ડોલર સામે રૂપિયો એક સપ્તાહની ઊંચી સપાટીએ જોવાયો હતો.

You might also like