Stock Market: સેન્સેક્સ 177 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યો

અમદાવાદ: શેરબજારમાં ઘટાડાનો સિલસિલો હવે અટકી ગયો હોય એવું દેખાઇ રહ્યું છે. સોમવારે ગ્રીન ઝોનમાં બજાર બંધ રહ્યા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલ્યાં હતાં. બીએસઇનો સેન્સેક્સ ૧૭૭.૪૪ પોઇન્ટના ઉછાળા સાથે ૩૬,૪૫૧.૮૨ની સપાટી પર ખૂલ્યો હતો તો નિફ્ટી પણ ૪૨.૨૫ પોઇન્ટના ઉછાળા સાથે ૧૦,૩૯૦.૩૦ની સપાટી પર ખૂલી હતી, જોકે થોડી વારમાં બજારમાં પીછેહઠ જોવા મળી હતી અને આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૫૬.૬૮ના ઉછાળા સાથે ૩૪,૫૩૧ પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી પણ ૧૧.૪૦ પોઇન્ટના ઉછાળા સાથે ૧૦,૩૫૯ પર ટ્રેડ કરી રહી છે.

આજે બજાર ખૂલ્યું ત્યારે યસ બેન્કના શેરમાં આઠ ટકાનો, એચપીસીએલમાં ૮.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જોકે વેદાંતા આજે પણ ૧૦ ટકાના ઘટાડા સાથે નબળો રહ્યો હતો. બેન્ક, ફાઇનાન્સિયલ અને આઇટી ઇન્ડેક્સમાં પણ વેચવાલી જોવા મળી રહી છે.

સેન્સેક્સના ૨૨ શેરમાં તેજી અને નવ શેરમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ૩૨ શેરમાં તેજી અને ૧૮ શેર રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે. કોલ ઇન્ડિયા ૨.૦૯ ટકા, એચડીએફસી ૧.૪૮ ટકા ઊછળ્યા છે, જ્યારે ટાટા મોટર્સમાં ૪.૧ ટકા, આઇસીઆઇસીઆઇ બેન્કમાં ૧.૮૦ ટકા, કોટક મહિન્દ્રા બેન્કમાં ૧.૨૪ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

રૂપિયાએ આજે શરૂઆતમાં પોતાનો ઉછાળો ગુમાવી દીધો છે. આજે સવારે રૂપિયામાં નજીવી રિકવરી એટલે કે ૧૯ પૈસાની મજબૂતી સાથે ૭૩.૮૭ની સપાટીએ ખૂલ્યો હતો. અત્યારે રૂપિયો ૦.૦૮ પૈસાના ઘટાડા સાથે ૭૪ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

You might also like