શેરબજારમાં સેન્સેક્સનો વરસાદઃ 265 પોઈન્ટના સુધારે નવી ઊંચાઈએ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. સકારાત્મક પરિબળો વચ્ચે સેન્સેક્સ નવી ઊંચાઇએ પહોંચ્યો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૬૫ પોઇન્ટના સુધારે ૩૬,૫૩૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૧ હજારની સપાટી વટાવી ૮૦ પોઇન્ટના સુધારે ૧૧,૦૨૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ઘટેલા ભાવ, રૂપિયાની મજબૂતાઇ તથા ટીસીએસના સારા પરિણામના પગલે બજારમાં તેની પોઝિટિવ અસર જોવાઇ હતી.

પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ, ઓટો, ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેરમાં જોરદાર લેવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં એક ટકાનો સુધારો નોંધાઇ ૨૭ હજારની સપાટી વટાવી ૨૭,૦૪૭ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટેલા ભાવના પગલે આઇઓસી, એચપીસીએલ, બીપીસીએલ કંપનીના શેરમાં ચાર ટકા સુધીની સુધારાની ચાલ જોવા મળી હતી.

એટલું જ નહીં ડો.રેડ્ડીઝ લેબ્સ, રિલાયન્સ, એસબીઆઇ, મારુતિ સુઝુકી, યસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં પણ બેથી ચાર ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જોકે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વેદાન્તા, ભારતી ઇન્ફ્રાટેલ, ટીસીએસના શેરમાં વેચવાલી જોવાતા આ શેરમાં બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ ૦.૭૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે આઇડીબીઆઇ, એમઆરપીએલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, અશોકા બિલ્ડકોઇન, એનએસઆર ઇન્ડિયા કંપનીના શેરમાં ત્રણથી સાત ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.

આવતી કાલે ઈન્ફોસિસ કંપનીના પરિણામ પૂર્વે શેરમાં ઘટાડો
આઈટી સેક્ટરની અગ્રણી કંપની ટીસીએસનું મંગળવારે જાહેર થયેલું પરિણામ અપેક્ષા કરતાં સારું આવ્યું છે, જેના પગલે ગઇ કાલે આ કંપનીનો છેલ્લે ૫.૪૭ ટકાના સુધારે રૂ. ૧,૯૭૯ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. દરમિયાન આવતી કાલે આઇટી સેક્ટરની અગ્રણી ઇન્ફોસિસ કંપનીનું પરિણામ છે. ગઇ કાલે આ કંપનીના શેરમાં ૧.૩૭ ટકાનો સુધારો નોંધાયો હતો, જોકે આવતી કાલે ઇન્ફોસિસનાં પરિણામ પૂર્વે આ શેરમાં ૧.૩૪ ટકાનો ઘટાડો નોંધાઇ ૧,૩૦૨ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.

પાંચ સેશનમાં સેન્સેક્સ ૯૬૦ પોઈન્ટ ઊછળ્યો
શેરબજારમાં સતત લેવાલીના પગલે પાછલા માત્ર પાંચ જ સેશનમાં સેન્સેક્સમાં ૯૬૦ પોઇન્ટનો ઉછાળો નોંધાતો જોવાયો છે. વિદેશી રોકાણકારોની સતત ખરીદીના પગલે બજારમાં સતત સુધારો નોંધાતો જોવા મળ્યો છે.

આ શેર નવી ઊંચાઈએ
રિલાયન્સ રૂ. ૧,૦૫૯.૭૫
ગોદરેજ કન્ઝ્યુમર રૂ. ૧,૩૪૫.૦૦
એચઈજી રૂ. ૩,૯૫૪.૯૫
કોટક બેન્ક રૂ. ૧,૩૯૯.૭૦
એમ્ફેસિસ રૂ. ૧,૧૭૮.૪૦

શેરબજારમાં ઉછાળાનાં કારણો કયાં છે?
વિદેશી બજારોમાં જોવા મળેલી સકારાત્મક ચાલ.
એફઆઇઆઇ સહિત સ્થાનિક રોકાણકારોની સતત લેવાલી.
ડોલર સામે રૂપિયામાં નોંધાયેલી મજબૂતાઇ.
ક્રૂડમાં જોવા મળેલો ઘટાડો
ટીસીએસના પરિણામના પગલે કંપનીઓના સારા પરિણામનો વધતો આશાવાદ
સ્મોલકેપ અને મિડકેપ શેરમાં જોવા મળેલો ઉછાળો

બેન્ક શેરમાં ખરીદી
એસબીઆઈ ૧.૨૦ ટકા રૂ. ૨૬૨.૦૦
પીએનબી ૧.૪૬ ટકા રૂ. ૭૬.૬૦
બેન્ક ઓફ બરોડા ૧.૫૫ ટકા રૂ. ૧૧૮.૦૦
કોટક મહિન્દ્રા બેન્ક ૧.૦૫ ટકા રૂ. ૧,૩૯૬.૭૫
એક્સિસ બેન્ક ૦.૭૬ ટકા રૂ. ૫૪૦.૭૦
આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૦ ટકા રૂ. ૨૭૧.૦૦

You might also like