સેન્સેક્સ પોઝિટીવ ખૂલ્યું, ઑટો સ્ટોકમાં 1.50 ટકાનો સુધારો, ફર્ટિલાઈઝર કંપનીમાં ઉછાળો

અમદાવાદઃ આજે શરૂઆતે શેરબજાર પોઝિટિવ ખૂલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો સુધારો નોંધાયો હતો. બીએસઇ સેન્સેક્સ ૧૨૫ પોઇન્ટના સુધારે ૩૩,૭૨૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૬ પોઇન્ટના સુધારે ૧૦,૪૨૪ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટો સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. આજે શરૂઆતે ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના શેરમાં એક ટકાથી ૧.૫૦ ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ ભારતી એરટેલ, ઇન્ફોસિસમાં વેચવાલી નોંધાઇ હતી.

મારુતિ સુઝુકીનો શેર નવી ઊંચાઈએ
ઓટો સેક્ટરની અગ્રણી કંપની મારુતિ કંપનીનો શેર આજે રૂ.૯,૪૦૪ની નવી ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. એટલું જ નહીં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના શેરે નવી ઊંચાઇ બનાવી હતી. આ શેર રૂ.૧૫૫૨.૮૫ની સર્વોચ્ચ સપાટીએ જોવાયો હતો.

ડોલર સામે રૂપિયો ૬૪.૨૨ની સપાટીએ ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ૬૪.૨૨ની સપાટીએ ખૂલ્યો હતો. રૂપિયો સાધારણ મજબૂત થયો હતો. ગઈ કાલે છેલ્લે રૂપિયો ૬૪.૨૪ની સપાટીએ બંધ જોવાયો હતો.

કેન્દ્ર સરકારે ફર્ટિલાઇઝર કંપનીઓને મોટી રાહત આપી છે. સરકાર ફોસ્ફેટ અને પોટેશિયમ ફર્ટિલાઇઝર બનાવનારી કંપનીઓનો રૂ. ૨,૦૨૦ કરોડનો ખર્ચ ભોગવશે. એટલું જ નહીં ફર્ટિલાઇઝર કોર્પોરેશનના લોન અને વ્યાજ માફી કરવાનો નિર્ણય કરાયો છે. ફર્ટિલાઇઝર કોર્પોરેશન પર અંદાજે રૂ. ૧૦,૬૫૦ કરોડનું ઋણ હતું જેના પગલે આજે ફર્ટિલાઇઝર કંપનીના શેરમાં શરૂઆતે ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. ખાસ કરીને રાજ્યના જાહેર ક્ષેત્રનાં એકમો જેવા કે જીએસએફસી અને જીએનએફસી કંપનીના શેરમાં ૧.૨૦થી ૨.૨૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એ જ પ્રમાણે ચંબલ ફર્ટિલાઇઝલ, મેંગ્લોર કેમિકલ, મદ્રાસ ફર્ટિલાઇઝર અને નેશનલ ફર્ટિલાઇઝર કંપનીના શેરમાં બે ટકા સુધીનો ઉછાળો શરૂઆતે જોવાયો હતો.

આજે ફર્ટિલાઈઝર કંપનીના શેરમાં સુધારો
જીએનએફસી ૧.૨૨ ટકા
જીએસએફસી ૨.૨૭ ટકા
ચંબલ ફર્ટિ. ૧.૨૪ ટકા
મેંગલોર કેપિ. ૨.૮૦ ટકા
મદ્રાસ ફર્ટિ. ૨.૧૨ ટકા
દીપક ફર્ટિ. ૦.૯૮ ટકા
રાષ્ટ્રીય કેમિકલ્સ ૧.૪૩ ટકા
નેશનલ ફર્ટિ. ૨.૨૬ ટકા

You might also like