સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ ઊછળ્યો

અમદાવાદ: ગઇ કાલે શેરબજારમાં જોવા મળેલી ભારે અફરાતફરી બાદ આજે શરૂઆતે વૈશ્વિક બજારના સપોર્ટે અને સ્થાનિક બજારમાં રોકાણકારોની ઘટાડે લેવાલીના પગલે સુધારાની ચાલ જોવા મળી હતી. આજે શરૂઆતે બજાર ખૂલ્યું ત્યારે ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં બીએસઇ સેન્સેક્સ ૪૦૬ પોઇન્ટના સુધારે ૨૭,૬૫૯, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૩૬ પોઇન્ટના ઉછાળે ૮,૫૫૦ની સપાટી ક્રોસ કરી ૮,૫૬૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ખાસ કરીને ઓટો, બેન્કિંગ સ્ટોક્સ સહિત મોટા ભાગના સેક્ટોરિયલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.

આજે શરૂઆતે ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૮.૨૮ ટકાનો ઉછાળો નોંધાયો, એ જ પ્રમાણે સિપ્લા કંપનીના શેરમાં ૫.૦૯ ટકા, એસબીઆઇના શેરમાં ૪.૩૧ ટકા, ભારતી એરટેલ કંપનીના શેરમાં ૩.૮૪ ટકા, સન ફાર્મા કંપનીના શેરમાં ૨.૮૮ ટકાનો ઉછાળો નોંધાતો જોવાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઘટાડે જોવા મળી રહેલી લેવાલીના પગલે આ સુધારાની ચાલ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં વોલેટાલિટી વધવાની શક્યતા પણ જોવાઇ રહી છે.

જ્વેલરી કંપનીના શેર ઘટાડે ખરીદી આવતાં ચળક્યા
ગઇ કાલે જ્વેલરી કંપનીના શેરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મોટા ભાગની જ્વેલરી કંપનીના શેરમાં કડાકો બોલાઇ ગયો હતો. મોટી રકમની નોટો સરકારે બંધ કરતાં આગામી બેથી ત્રણ ક્વાર્ટરમાં જ્વેલરી કંપનીઓની મુશ્કેલી વધી શકે છે તે સેન્ટિમેન્ટ પાછળ આ કંપનીના શેરમાં કડાકો બોલાયો હતો, જોકે આજે શરૂઆતે સાધારણ સુધારો નોંધાયો હતો. ટીબીઝેડ કંપનીના શેરમાં ૪.૮૪ ટકા, તારા જ્વેલ્સ કંપનીના શેરમાં ૩.૫૩ ટકા, પીસી જ્વેલર્સ કંપનીના શેરમાં ૧.૨૬ ટકા, ગીતાંજલી જેમ્સ કંપનીના શેરમાં ૩.૩૮ ટકાનો ઉછાળો નોંધાતો આજે જોવાયો હતો.

જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૯૦૦ પોઈન્ટ ઊછળ્યો
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા થતાં જ આજે શરૂઆતે એશિયાઇ બજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં ૯૨૭ પોઇન્ટ, હેંગસેંગ ઇન્ડેક્સમાં ૪૬૨ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. એશિયાનાં અન્ય શેરબજાર પણ પોઝિટિવ ખૂલ્યાં હતાં.

You might also like