શેરબજારમાં તેજીની ચાલ જારી, ઓગસ્ટ સિરીઝ ધમાકેદારઃ નિફ્ટી પ્રથમવાર 11,250ને પાર

અમદાવાદ: શેરબજારમાં છેલ્લા કેટલાય સમયથી જોવા મળેલી તેજી આજે પણ જોવા મળી હતી. ઓગસ્ટ સિરીઝની ધમાકેદાર શરૂઆત થઇ હતી. બીએસઇ સેન્સેક્સ ર૦૭ પોઇન્ટને સુધારે ૩૭,૧૯રની સપાટીએ ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ પ૮ પોઇન્ટને સુધારે ૧૧,ર૦૦ની સપાટી પાર કરી હતી. આજે શરૂઆતે એક તબક્કે બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં ૩૭,ર૭ર જ્યારે નિફ્ટી ૧૧,ર૪૦ની ઐતિહાસિક ઊંચી સપાટીએ જોવા મળી હતી.

એફએમસીજી, મેટલ સેકટરના શેરમાં જોરદાર ખરીદી નોંધાતી જોવા મળી હતી. સ્મોલકેપ, મિડકેપ સેકટર સહિત બેન્ક નિફ્ટી પણ મજબૂત ખૂલી હતી. આજે શરૂઆતે બેન્ક નિફ્ટી ૧૩ર પોઇન્ટને સુધારે ર૭,પ૩૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આઇટીસી કંપનીના શેરમાં ૩.પ૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એટલું જ નહીં મેટલ સેકટરની હિંદાલ્કો કંપનીના શેરમાં ૪.૧૬ ટકાનો ઉછાળો નોંધાતાં આ શેર આજે શરૂઆતે ર૧પ.૧પના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. વેદાંતા કંપનીનો શેર પણ મજબૂત ૧.૩૯ ટકાના સુધારે ટ્રેડિંગમાં નોંધાયો હતો આઇડિયા સેલ્યુલર અને આઇશર મોટરના શેરમાં પણ અનુક્રમે પ.૪૬ ટકા અને ૧.૭૮ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

દરમિયાન આજે શરૂઆતે ડો.રેડ્ડીઝ લેબ, ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઇ અને ભારતીય એરટેલ કંપનીના શેરમાં ૦.૬૦ ટકાથી ૧.૯૦ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો.  મિડકેપ સેકટરના શેર જેવા કે બાયોકોન, અદાણી એન્ટરપ્રાઇ, અજન્તા ફાર્મા કંપનીના શેરમાં પાંચ ટકાનો ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ કેનેરા બેન્ક, ઇન્ડિયન બેન્ક, યુનિયન બેન્કના શેરમાં ડાઉન ટ્રેડ જોવા મળ્યો હતો.

દરમિયાન સ્મોલ સેકટરના શેર જેવા કે મનપસંદ બેવરેજીસ, કેનફીન હોમ કંપનીના શેરમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે અજમેરા રિયલ્ટી, જેબીએફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.

શેર બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી તથા મ્યુચ્યુઅલ ફંડોના વધતા રોકાણને પગલે બજારમાં સતત સુધારાની ચાલ જોવા મળે છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આગામી ર૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા સરકાર મોટી સુધારા તરફી નીતિ અપનાવી શકે છે.

ખાસ કરીને મેન્યુફેકચરીંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરને રાહત મળે તેવી રીતે સરકાર આર્થિક સુધારા તરફી નીતિ ઘડી શકે છે તેવા સેન્ટીમેન્ટ પાછળ શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળે છે. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઇએ જોવાયા હતા.

You might also like