પાકિસ્તાન પર ભારતના હુમલાથી સેન્સેક્સમાં 400 પોઈન્ટનો કડાકો

(એજન્સી) મુંબઇ: ભારતીય વાયુસેના દ્વારા પાક હસ્તકના કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને આતંકી કેમ્પ પર કરવામાં આવેલા હુમલા બાદ શેરબજાર ધરાશાયી થઇ ગયું હતું. આજે સેન્સેક્સ ૨૩૭ પોઇન્ટ તૂટીને ૩૫,૯૭૫ પર અને નિફ્ટી ૧૦૪ પોઇન્ટ તૂટીને ૧૦,૭૭૫ પર ખૂલી હતી. ત્યાર બાદ પાકિસ્તાનમાં કરવામાં આવેલા હુમલાના સમાચારના પગલે બજારમાં મોટા પાયે વેચવાલીથી શેરબજાર ધરાશાયી થઇ ગયું હતું.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૪૭૩ પોઇન્ટ તૂટીને ૩૫,૭૪૦ પર અને નિફ્ટી ૧૩૭ પોઇન્ટ તૂટીને ૧૦,૭૪૨ પર ટ્રેડ કરી રહી છે. શેરબજારમાં જે રીતનો વેચવાલીનો દોર ચાલી રહ્યો છે એ જોતાં બજાર હજુ વધુ તૂટીને સેન્સેક્સમાં ૫૦૦ પોઇન્ટનો કડાકો થવાનાં એંધાણ વરતાઇ રહ્યાં છે. નિફ્ટીના તમામ ઇન્ડેક્સ રેડ ઝોનમાં જોવા મળ્યા છે.

દિગ્ગજ શેરની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. બેન્કિંગ શેરમાં સૌથી વધુ વેચવાલી દેખાઇ રહી છે. ખાસ કરીને પીએસયુ બેન્ક અને રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. યસ બેન્ક, હીરો મોટો કોર્પ અને એસબીઆઇમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવાયો છે. સેન્સેક્સના ૨૮ અને નિફ્ટીના  ૪૫ શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી છે.

રૂપિયો પણ ૨૮ પૈસા તૂટ્યો
પાક પરના હુમલાની અસર રૂપિયામાં પણ જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો આજે ૨૮ પૈસા તૂટીને ૭૧.૨૬ની સપાટીએ ખૂલ્યો હતો, જોકે ગઇ કાલે રૂપિયામાં મજબૂતાઇ જોવાઇ હતી. ડોલર સામે રૂપિયો ૧૭ પૈસાના ઉછાળા સાથે ૭૦.૯૮ની સપાટી પર બંધ આવ્યો હતો.

You might also like