સેન્સેક્સમાં ૩૦૦થી વધુ પોઈન્ટનો કડાકા સાથે એશિયાઈ બજારમાં પણ મંદી

મુંબઇઃ એશિયાઇ બજારમાં છવાયેલી મંદી અને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ ઉગ્ર બનવાની આશંકાએ આજે ભારતીય શેરબજાર મોટા કડાકા સાથે ખૂલ્યાં હતાં. સેન્સેક્સ આજે ૨૪૪ પોઇન્ટ ઘટીને ૩૮,૭૧૯ અને નિફ્ટી ૧૦૬ પોઇન્ટ ગગડીને ૧૧,૬૦૫ની સપાટીએ ખૂલી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ સેન્સેક્સ ૩૨૦ પોઇન્ટના કડાકા સાથે ૩૮,૬૪૨ અને નિફ્ટી ૯૭ પોઇન્ટના ઘટાડા સાથે ૧૧,૬૧૪ પર ટ્રેડ કરી રહી છે.

આજે તમામ મુખ્ય ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી રહી છે. સૌથી વધુ ઘટાડો મેટલ, બેન્ક અને ફાઇનાન્શિયલ સર્વિસીઝમાં જોવા મળ્યો છે. સેન્સેક્સમાં ૩૦ કંપનીમાંથી માત્ર બે કંપનીમાં જ તેજી દેખાઇ રહી છે. પાવર ગ્રીડ ૦.૮૯ ટકા અને એશિયન પેઇન્ટ્સ ૦.૪૨ ટકાની તેજી સાથે ગ્રીન ઝોનમાં છે, જ્યારે ટાટા મોટર્સમાં ૩.૭૫ ટકાનો, ટાટા સ્ટીલમાં ૦.૯ ટકા, યસ બેન્કમાં ૨.૬૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

આજનાં ટ્રેડિંગમાં આઇટી સેક્ટરને બાદ કરતા ચોમેરથી દબાણ જોવા મળી રહ્યું છે. બેન્ક શેર પર પણ ભારે દબાણ છે. નિફ્ટીનો પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ૦.૯૦ ટકા તૂટ્યો છે, જ્યારે પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ ૧.૦૫ ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.

બેન્ક નિફ્ટી પણ ૧.૦૨ ટકાના ઘટાડા સાથે ૨૯,૬૪૯ પર ટ્રેડ કરી રહી છે. ડોલરની સામે રૂપિયો આજે આઠ પૈસા તૂટીને ૬૯.૨૨ની સપાટીએ ખૂલ્યો હતો, જોકે છેલ્લે શુક્રવારે બજાર બંધ રહ્યું ત્યારે ડોલરની સામે રૂપિયો ૧૫ પૈસા વધીને ૬૯.૨૨ની સપાટીએ બંધ રહ્યો હતો. તેના આગલા દિવસે પણ રૂપિયો ૩૮ પૈસા વધીને ૬૯.૩૬ની સપાટીએ બંધ રહ્યો હતો.

You might also like