સેન્સેક્સમાં વધુ ૪૦૦ પોઈન્ટનું ગાબડુંઃ ઓટો સેક્ટરમાં ભારે વેચવાલી નોંધાઈ

અમદાવાદ:સળંગ ત્રણ દિવસની રજા બાદ આજે શેરબજારમાં વધુ ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૩૭૫ પોઇન્ટના ઘટાડે ૨૬,૪૬૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૧૦ પોઇન્ટના ઘટાડે ૮,૧૮૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આમ, આજે શરૂઆતે જ નિફ્ટીએ ૮,૨૦૦નું લેવલ તોડી વધુ નીચે જોવાઇ હતી.ઓટોમોબાઇલ સેક્ટરના શેરમાં ભારે વેચવાલી નોંધાઇ હતી. એ જ પ્રમાણે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં પણ નરમાઇની ચાલ નોંધાઇ હતી. સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં પણ ભારે વેચવાલી જોવાઇ હતી.

આજે શરૂઆતે ટાટા મોટર્સ કંપનીના શેરમાં છ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે એશિયન પેઇન્ટ કંપનીનાે શેર પણ પાંચ ટકા તૂટ્યો હતો. બજાજ ઓટો, સિપ્લા, ભેલ, ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, એનટીપીસી કંપનીના શેરમાં ભારે વેચવાલી જોવાઇ હતી. તો બીજી બાજુ એસબીઆઇ કંપનીના શેરમાં ૩.૧૩ ટકા, ઓએનજીસી કંપનીના શેરમાં ૨.૬૩ ટકા સુધારાની ચાલ નોંધાઇ હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારે રૂ. ૫૦૦ અને એક હજારની ચલણી નોટ રદ કરવાના કારણે નાના અને મધ્યમ કદનાં એકમોને મોટી નકારાત્મક અસર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે, જેના કારણથી બજારમાં પ્રેશર નોંધાયું છે એટલું જ નહીં વૈશ્વિક બજારમાં પણ અનિશ્ચિતતાભર્યો માહોલ પ્રવર્તી રહ્યો છે. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ કયા પ્રકારની નવી નીતિ લાવે છે તે અંગે શંકા કુશંકા પ્રવર્તતી જોવા મળે છે તેના કારણે બજારમાં પ્રેશર નોંધાયું છે.

You might also like